Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ખેડુતોની પાસેથી ૪૫૬૯૨ ક્વિન્ટલ મગફળીની ખરીદી

ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા જારીઃ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રાજ્યભરમાં ૯૪ ખરીદી કેન્દ્રો પરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી : સરકાર

અમદાવાદ, તા.૧૭: રાજયમાં તા.૧૫મી નવેમ્બર-૨૦૧૮થી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આજે તા.૧૭મી નવેમ્બર-૨૦૧૮ના સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૨,૨૦૨ ખેડૂતોએ પોતાની ૪૫,૬૯૨ ક્વિન્ટલથી વધુ મગફળી ટેકાના ભાવે વેચી હતી. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રાજયભરમાં ૯૪ ખરીદ કેન્દ્રો પરથી ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ખેડૂતોને મગફળીના વેચાણમાં કોઈ તકલીફ ન પડે અને ખરીદીની પ્રક્રિયા ખૂબ સરળતાથી યોજાય એ માટે રાજય સરકારે પુરતું આયોજન કરીને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,કેન્દ્ર સરકારે મગફળી માટે રૂ. ૪,૮૯૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યાં છે ઉપરાંત રૂ.૧૧૦ પ્રતિ ક્વિન્ટલ રાજય સરકારના બોનસ સહિત રૂ.૫,૦૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળીની ખરીદી કરાઈ રહી છે.  અન્ન અને નાગરિક પૂરવઠા નિગમ દ્વારા જણાવાયું છે કે, આજે દિવસ દરમિયાન રાજકોટ જિલ્લામાંથી ૧૦,૪૭૫ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. એ જ રીતે જૂનાગઢ જિલ્લામાંથી ૫,૫૩૪ ક્વિન્ટલ, અમરેલીમાંથી ૪,૯૩૬ ક્વિન્ટલ, જામનગરમાંથી ૩,૨૯૬ ક્વિન્ટલ, ગિર-સોમનાથમાંથી ૫,૧૫૧ ક્વિન્ટલ, ભાવનગરમાંથી ૨,૫૦૮ ક્વિન્ટલ, સાબરકાંઠામાંથી ૩,૩૭૯ ક્વિન્ટલ, પોરબંદરમાંથી ૨,૩૮૪ ક્વિન્ટલ, બનાસકાંઠામાંથી ૭૭૦ ક્વિન્ટલ, અરવલ્લીમાંથી ૧,૮૯૪ ક્વિન્ટલ, મહેસાણામાંથી ૮૪૮ ક્વિન્ટલ,  ગાંધીનગરમાંથી ૧,૧૩૨ ક્વિન્ટલ, બોટાદમાંથી ૯૩૧ ક્વિન્ટલ, કચ્છમાં ૧,૧૬૯ ક્વિન્ટલ, ખેડામાં ૨૪૪ ક્વિન્ટલ, દેવભૂમિદ્વારકા ૪૫૨ ક્વિન્ટલ, સુરેન્દ્રનગરમાંથી ૩૩૩ ક્વિન્ટલ, પાટણમાં ૨૦૮ ક્વિન્ટલ અને મોરબીમાં ૩૮ ક્વિન્ટલથી વધુ મગફળીની ખરીદી કરાઈ છે.

(9:25 pm IST)