Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

૭૫ લાખના મેફેડ્રીન ડ્રગ્સ સાથે બેની થયેલી ધરપકડ

અમદાવાદ, સુરત અને અંકલેશ્વરની ટીમ દ્વારા સર્ચ :જપ્ત મેફેડ્રીનનો જથ્થો મુંબઇ જવાનો હતો :ડીઆરઆઇએ ડ્રગ્સ કયાં પહોંચાડવાનું હતું તે સહિતના મુદ્દે તપાસ આરંભી

અમદાવાદ,તા.૧૭ :ડીઆરઆઇ(ડિરેકટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ)ના અધિકારીઓએ આજે એક મહત્વના ઓપરેશનમાં અમદાવાદ, સુરત અને અંકલેશ્વરની ટીમની સંયુકત મદદથી ભરૃચના ઝઘડિયા ખાતે એક બંધ ફેકટરીમાં દરોડા પાડી મહત્વના ઇનપુટ્સના આધારે મેફેડ્રીન ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. કલ્પેશ ડોડિયા અને મૌલિક નામના આ બંને શખ્સ પાસેથી મેફેડ્રીન ડ્રગ્સનો જથ્થો પકડાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. કારણ કે, મેફેડ્રીન ડ્રગ્સ એનર્જી ડ્રગ્સ તરીકે ઉપયોગમાં લેવાતું હોય છે અને ખાસ કરીને યુવાધન તેના નશાના રવાડે ચઢી ખતરનાક રીતે બંધાણી બનતું હોય છે ત્યારે ડીઆરઆઇએ આ મહત્વના ઓપરેશનમાં સફળતા મેળવી હતી. ડીઆરઆઇના અધિકારીઓએ બંને આરોપીઓને બાતમીના આધારે રૃ.૭૫ લાખની કિંમતના મેફેડ્રીન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને તેમની પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, તેઓ આ ડ્રગ્સનો જથ્થો મુંબઇ લઇ જતા હતા. મેફેડ્રીન ડ્રગ્સનો આ જથ્થો મુંબઇમાં જ કોઇને આપવાનો હતો કે, મુંબઇમાંથી દેશના અન્ય રાજય કે વિદેશમાં મોકલવાનો હતો તે દિશામાં ડીઆરઆઇના અધિકારીઓ તપાસ ચલાવી છે. તપાસમાં એવો પણ ખુલાસો સામે આવ્યો હતો કે, ભરૃચ જિલ્લાના ઝઘડિયા નજીકની કોઇ ફેકટરીમાં ગેરકાયદે રીતે આ મેફેડ્રીન ડ્રગ્સનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને અહીંથી તેની ડિલીવરી કરવાની હતી. ડીઆરઆઇના અધિકારીઓએ આરોપીઓ સાથે અન્ય કયા કયા આરોપીઓ અથવા તો ગ્રુપ સંકળાયેલું છે અને સમગ્ર નેટવર્ક કઇ ચેનલ થ્રુ કામ કરતું હતું તે દિશામાં પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મેફેડ્રીન ડ્રગ્સ મ્યાંઉ મ્યાંઉ ડ્રગ્સ તરીકે ઓળખાય છે અને તે પાર્ટી ડ્રગ્સ તરીકે ભારે ડિમાન્ડમાં રહેતું હોય છે ત્યારે ડીઆરઆઇના આજના ઓપરેશને નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો હતો.

(7:37 pm IST)