Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ઘોઘા-હજીરા વચ્ચે 9મી ડિસે.થી પેસેન્જર ફેરી સર્વિસની શરૂઆત :ઘોઘાથી સુરત હવે 4 કલાકમાં પહોંચી શકાશે

ઘોઘા-દહેજ રો-પેક્સ સેવાને મળી રહેલા સાનુકુળ પ્રતિસાદ બાદ ગુજરાત સરકાર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ઇન્ડીગો સીવેઝના સંચાલકોની મળી ગયેલી બેઠકમાં ઘોઘાથી હજીરાની પેસેન્જર ફેરી સર્વિસ 9મી ડિસેમ્બરથી શરૂ કરાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

 સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને સુરત સાથે દૈનિક વ્યવહારો હોય છે અને મુસાફરોની આવન-જાવન પણ મોટા પ્રમાણમાં રહે છે. સડક માર્ગે ભારણ ઘટાડવા માટે ઘોઘાથી દરિયાઇ પરિવહનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે અને તેને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ઘોઘાથી હજીરા વચ્ચે 67 નોટિકલ માઇલનું દરિયાઇ અંતર છે, જે ઇન્ડીગો-1 નામનું પેસેન્જર જહાજ 3.15 કલાકમાં અંતર કાપી શકશે.

 આ જહાજની મુસફાર ક્ષમતા 220ની છે, અને ઘોઘાથી હજીરા અને હજીરાથી ઘોઘા રોજની એક ટ્રિપ શરૂ કરવામાં આવનાર છે. ભાવનગરથી સુરત પહોંચવામાં સડકમાર્ગે 6-7 કલાક જેટલો સમય લાગતો હતો , હવે દરિયાઇ માર્ગે મુસાફરોને પહોંચતા માત્ર 3.15 કલાક અને અન્ય 45 મીનીટ ગણીએ તો પણ 4 કલાકમાં ભાવનગરથી સુરત આરામથી પહોંચી શકાશે.

(12:49 pm IST)