Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અહીં મળે છે બીડીની ઝુડી રૂ.૩૫૦ની અને સિગરેટનું પેકેટ રૂ.૧૦૦૦માં!

બીડી-સિગરેટના ભાવ ૧૦ ગણાઃ જેલમાં ચાલે છે તંબાકૂ પ્રોડક્‍ટનું મોટું જેલ માર્કેટ

અમદાવાદ, તા.૧૯: અમદાવાદની સેન્‍ટ્રલ જેલ એટલે તંબાકુ પ્રોડક્‍ટ માટેની સૌથી મોટી બ્‍લેક માર્કેટ, વ્‍યસન મુક્‍તિ માટે જેલમાં સરકાર અનેક અભિયાન ચલાવી પ્રયાસ કરી છે. પરંતુ તેમ છતા અહીં કેદીઓ વચ્‍ચે બીડીથી લઈને સિગરેટ માટે ખૂબ માગ હોય છે અને તે માટે તેઓ ૧૦ ગણી કિંમત ચૂકવવા તૈયાર હોય છે. આ કેદીઓ આ વ્‍યસન માટે ૪૦-૫૦ કે ૧૦૦ રૂપિયા નહીં પણ ૧૦ ગણી કે તેનાથી પણ વધુ કિંમત ચૂકવે છે.

જેલની અંદરના સૂત્રોએ જણાવ્‍યા મુજબ મોટાભાગના કેદીઓ તંબાકૂ પ્રોડક્‍ટના બંધાણી છે. જેમને આ તંબાકુ પ્રોડક્‍ટ પહોંચાડવી જેલ સ્‍ટાફના કેટલાક વ્‍યક્‍તિઓ માટે ખૂબ મોટો નફાનો વ્‍યાપાર થઈ ગયો છે. સૂત્રોએ કહ્યું કે, ‘આ એક રેકેટની જેમ ચાલે છે. કેદીને તેની જોઈતી વસ્‍તુ મળી રહે તે માટે બહારથી તેમના સંબંધીઓ પૈસા ચૂકવે છે અથવા કેદી પોતેને મળતા કૂપન આ જેલ સ્‍ટાફને રૂપિયાના બદલે આપે છે.'

વર્ષ ૨૦૧૧થી જેલ પરિસરમાં તંબાકૂ પ્રોડક્‍ટ વેચવા પર પ્રતિબંધ છે. જેના કારણે જેલમાં આ વસ્‍તુઓના કાળા બજાર ખૂબ થઈ રહ્યા છે. આ પહેલા બીડી અને સિગરેટ જેવી વસ્‍તુઓ ગુજરાત પ્રિઝન રુલ્‍સ ૩૮ અને ૫૦(ઇ) અંતર્ગત જેલની કેન્‍ટિનમાં વેચાતી હતી. બ્‍લેકમાં માર્કેટમાં કેદીઓની આડેધડ લૂંટ કરતા તત્‍વો સામે કેદી પંચાયતે ૨૦૧૫થી સતત અનેકવાર ગૃહ વિભાગમાં રજૂઆત કરી છે અને તંબાકૂ પ્રોડક્‍ટ બેન કરતો પોતાના હૂકમ પર ફેરવિચારણા માટે અરજી કરી છે. જોકે સરકારે હજુ સુધી કોઈ જવાબ ન આપતા આંખ આડા કાન કરી રાખ્‍યા છે.

સૂત્રોનું માનીએ તો ખૂબ જ સુવ્‍યવસ્‍થિત રીતે આ બ્‍લેક માર્કેટનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ઘણા મોટા માથાનો પણ સમાવેશ હોઈ શકે છે. સૂત્રો મુજબ જો કોઈ કેદી પ્રતિબંધિત વસ્‍તુઓ ઇચ્‍છતો હોય તો તેણે પહેલા રૂ. ૧૦૦૦૦ આ ગેંગ પાસે જમા કરાવવા પડે છે પછી આ ગેંગ કેદીને તેની જરૂરિયાતની વસ્‍તુઓ મળતી રહે તેનું ધ્‍યાન રાખે છે. આ સમગ્ર રેકેટમાં જેલમાં જ રહેલા કેટલાક હાઈપ્રોફાઇલ કેદીઓ પણ સામેલ છે.'

આ અંગે રાજયના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમારા સહયોગી ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા સાથે વાત કરતા કહ્યું કે, શ્નમને જેલ પરિસરમાં ચાલતા આ ગોરખધંધા અંગે જાણકારી મળી છે અને આવા વ્‍યક્‍તિઓ વિરુદ્ધ પગલા ભરવા માટે તપાસ કરાવી તમામને પકડવામાં આવશે. જયારે રાજયના જેલ વિભાગના DGP મોહન ઝાએ કહ્યું કે, ‘જેલમાં જાત જાતના ભ્રષ્ટાચાર ઓછા કરવા માટે જો કોઈપણ સજેશન આપવામાં આવશે તો પોલીસ વિભાગ જરૂર તેના પર વિચારણા કરશે. પરંતુ તે પહેલા પ્રાથમિક્‍તા એ રહેશે કે આવા ભ્રષ્ટ તત્‍વોને શોધીને સજા કરવામાં આવે. ફક્‍ત અમદાવાદ જ નહીં રાજયની તમામ જેલમાં ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે અમારા સ્‍તરે બેસ્‍ટ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

(3:41 pm IST)