Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર દેશવિદેશના પ્રવાસીઓ માટે રાજપીપળામાં બનશે એરપોર્ટ

એરપોર્ટ માટેની જગ્યાનું સ્થળ નિરીક્ષણ કરાયું: ડિસેમ્બરના અંત સુધીમાં કામ ચાલુ થવાની શકયતા

અમદાવાદઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગત ૩૧મી ઓકટોબરના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના બીજે દિવસેથી જ ત્યાં આખા દેશમાંથી પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ગત રવિવાર સુધીમાં દિવાળીની રજાઓ હોવાને કારણે એકંદરે ત્યાં દિવસના ૧૫ થી  ૨૦ હજાર સહેલાણીઓ આવતા હતાં. જેને ધ્યાનમાં રાખીને રાજપીપળામાં ડિસેમ્બરના અંત સુધીમાં એરપોર્ટ પણ બનાવવાનો પ્રારંભ પણ કરવામાં આવશે. જેના કારણે દેશવિદેશના લોકોને ત્યાં આવવામાં સહેલાઇ થઇ શકે.

 એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની બેઠક થઇ હતી. જેમાં રાજયમાં ત્રણ જગ્યાએ   ધોલેરા, રાજકોટ અને રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી છે.

 આ ઉપરાંત પ્રવાસીઓ માટે ફોર લેન રસ્તાથી કેવડિયાને જોડવામાં આવ્યો છે બીજી બાજુ ચાંદોદથી સીધી રેલવે લાઈન પણ બનાવવા સર્વે કરવામાં આવ્યો છે. હવે હવાઈ મુસાફરી કરી આવતા પ્રવાસીઓ માટે જિલ્લામાં એર ટ્રીપ વિકસાવવી જરૂરી બન્યું છે. થોડા સમય પહેલા રાજયના પૂર્વ રાજય વન મંત્રી શબ્દસરણ તડવીએ આ અંગે રજૂઆત કરી હતી જેમાં રાજય સરકારની મંજૂરી મળી અને કેન્દ્ર સરકારની પણ લીલી ઝંડી મળી ગઈ હતી.

  હવાઈ કેન્દ્રીય ઉડ્ડિયાન મંત્રાલયની સૂચના અને રાજય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સિવિલ વિભાગની ટીમે રાજપીપળા ખાતે જગ્યા માટે જરૂરી બેઠક પ્રભારી સચિવ સાથે કરીને જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું છે.  જેમાં પ્રવાસન વિભાગના પ્રભારી સચિવ જે.એચ.હૈદર, સિવિલ એવિયેશન ઓફ સ્ટેટના કેપ્ટન અજય ચૌહાણ, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, ડીડીઓ જીન્સી વિલિયમ્સ, સીટી સર્વે આધિકારી ગૌરાંગ શાહ, ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટ સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

(3:09 pm IST)