Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

12મી નવેમ્બરે દેશભરમાં નેશનલ એચિવમેન્ટ સર્વેની પરીક્ષા લેવાશે

રાજ્યની ધોરણ-10ની સેમ્પલ સ્કૂલોને વેકેશનમાં પણ ત્રણ દિવસ ચાલુ રાખવા આદેશ :સેમ્પલ સ્કૂલોની પસંદગી કરીને તેની યાદી ટૂંકસમયમાં મોકલવામાં આવશે

અમદાવાદ :નેશનલ એચિવમેન્ટ સર્વે (NAS)ની પરીક્ષા સમગ્ર દેશમાં એક સાથે 12 નવેમ્બરના રોજ લેવામાં આવશે. આ પરીક્ષાને લઈને રાજ્યની ધોરણ-10ની સેમ્પલ સ્કૂલોને વેકેશનમાં પણ ત્રણ દિવસ ચાલુ રાખવા માટે આદેશ જારી કરાયો છે. સેમ્પલ સ્કૂલોની પસંદગી કરીને તેની યાદી ટૂંકસમયમાં મોકલવામાં આવશે તેમ રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને રાજયના કમિશ્નર ઓફ સ્કૂલ્સ તથા જીસીઇઆરટી દ્રારા જણાવવામાં આવ્યું છે.

આ સેમ્પલ સ્કૂલોના આચાર્ય, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ત્રણ દિવસ અચુકપણે હાજર રહેવાનું રહેશે. જોકે, વેકેશનમાં 3 દિવસ શરૂ રહેનારી આ સ્કૂલોમાં દ્વીતીય સત્ર 22 નવેમ્બરના બદલે 26 નવેમ્બરથી શરૂ કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે. પરિપત્ર બાદ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓએ પોતાના તાબાની શાળાઓના આચાર્યોને પરિપત્ર કરી તાકીદ કરી હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.

મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને એનસીઈઆરટીના સંકલનમાં વર્ષ 2021માં નેશનલ એચીવમેન્ટ સર્વે 12 નવેમ્બરના રોજ સમગ્ર રાષ્ટ્રમાં એક સાથે હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાએ આ કામગીરી માટે શિક્ષણ વિભાગના સચિવની અનુમતિ અન્વયે નેશનલ એચિવમેન્ટ સર્વેના અમલીકરણ માટે વેકેશન દરમિયાન 10 નવેમ્બરથી 12 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસ માટે ખાસ કિસ્સામાં ધોરણ-10ની સેમ્પલમાં પસંદ થયેલી સ્કૂલો ચાલુ રાખવા માટે નક્કી કરાયું છે.

આમ, નેશનલ એચિવમેન્ટ સર્વેને લઈને તમામ જિલ્લાઓમાં પરિપત્ર કરાયો છે અને શાળાના આચાર્યોને સુચના અપાઈ છે કે ધોરણ-10ની સેમ્પલમાં પસંદ થયેલી સ્કૂલો વેકેશનના ત્રણ દિવસ દરમિયાન ચાલુ રાખવાની રહેશે. આ શાળાઓનું દ્વીતીય સત્ર 22 નવેમ્બરના બદલે 26 નવેમ્બરથી શરૂ કરી શકાશે તેમ પણ સ્કૂલોના આચાર્યોને સુચના અપાઈ છે.

આ કામગીરી રાષ્ટ્રવ્યાપી અને અનિવાર્ય હોવાથી તેની પર ગંભીરતાથી ધ્યાન આપવા માટે સુચના આપવામાં આવી છે. આ માટે રાજ્યના જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાના આચાર્યોને પરિપત્ર કરી સેમ્પલમાં પસંદગી પામનાર શાળાઓની યાદી ટૂંકમાં જાહેર કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત પરીક્ષાની પુર્વ તૈયારીના ભાગરૂપે પ્રેક્ટિસ પેપરોનો મહાવરો કરવા માટે પણ સુચના અપાઈ છે.

(10:24 pm IST)