Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

તાપમાન ઘટશે, દિવાળી સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે

વરસાદને જોતા ચાલું વર્ષે શિયાળો જમાવટ કરે એવા સંકેત : રાજ્યના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં લગભગ તમામ સ્થળો પર હવામાન સાફ રહેવા વકી

અમદાવાદ, તા.૧૭ : પાછોતરા વરસાદે ગુજરાતને તરબોળ કર્યા બાદ દુષ્કાળના જે ભણકારા વાગી રહ્યા હતા તે દૂર થઈ ગયા છે. રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધા બાદ હવે વહેલી સવારે તથા સાંજ પડતા ઠંડા પવનો વહેવાની શરુઆત થઈ ગઈ છે. આગામી અઠવાડિયાથી ઠંડીના ચમકારામાં વધારો થવાનો છે. આગામી ૨૪ કલાકમાં એટલે કે નવા અઠવાડિયાની શરુઆત સાથે ઠંડીનો સામાન્ય ચમકારો અનુભવાશે, જે પછી ધીમે-ધીમે ગુલાબી ઠંડીની શરુઆત થશે.

રાજ્યમાં જે પ્રમાણે વરસાદ થયો છે તેની સાથે આ વર્ષે શિયાળો પણ વ્યવસ્થિત જામશે તેવી આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના લઘુતમ તાપમાનમાં ૨ ડિગ્રીથી વધારેનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં લગભગ તમામ સ્થળો પર હવામાન સાફ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, દાહોદ તથા મહિસાગરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આગામી અઠવાડિયાની મધ્ય સુધીમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી. જ્યારે આગામી ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરાઈ છે.

આગાહી પ્રમાણે રાજ્યના ઘણાં ભાગોમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ૩૩ સી રહેવાની આગાહી છે જ્યારે લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો નોંધાશે એટલે કે લઘુતમ તાપમાન રાજ્યના ઘણાં ભાગોમાં ૨૦ સીની નીચે પહોંચી જશે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા ૫ દિવસની આગાહીમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી. આમ છતાં દાહોદ અને મહિસાગરમાં હળવા વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે પાછલા વર્ષે હુંફાળો શિયાળો રહ્યા બાદ આ વર્ષે કડકડતી ઠંડી પડશે અને શિયાળો ગુલાબી ઠંડી સાથે પોતાનો રંગ બતાવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ વર્ષે પાછોતરા વરસાદમાં રાજ્યના મોટાભાગના નાના-મોટા જળાજશયોમાં પાણીની સારી આવક થઈ છે ત્યારે શિયાળુ પાકમાં પણ ખેડૂતોને પાણીની તકલીફ નહીં પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.

(8:55 pm IST)