Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ખાતરોનો ભાવ વધારો પાછો ખેંચવા કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો .

રાસાયણિક ખાતરોના ભાવ વધારા સામે કિસાન સંઘે વિરોધ વ્યક્ત કર્યો

અમદાવાદ : દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCOએ ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. રાસાયણિક ખાતરોના ભાવ વધારા સામે કિસાન સંઘે વિરોધ વ્યક્ત કર્યો છે અને ખાતરોનો ભાવ વધારો પાછો ખેંચવા કિસાન સંઘે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.

IFFCO દ્વારા ખાતરની પ્રતિ બેગ પર રૂ. 265 નો ધરખમ વધારો ઝીંકાયો છે. અગાઉ પ્રતિ બેગ ભાવ 1175 રૂપિયા હતો જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો. એ જ રીતે ઈફ્કો NPK નો ભાવ અગાઉ 1185 રૂપિયા હતો. જે વધી 1450 રૂપિયા થયો છે. જયેશ દેલાડે સહિત ખેડૂતોએ ભાવ વધારો પરત ખેંચવાની માગ કરી હતી.

ખાતરના ભાવમાં ફરી એકવાર વધારો થતાં જગતના તાત માટે મુશ્કેલી ઉભી થઈ છે. DAP, NPKના ભાવ આસમાને પહોંચતા ખેડૂતો ત્રાહીમામ છે. ખેડૂતોનું કહેવું છે કે વારંવાર વધતા ખાતરના ભાવે ખેડૂતોની કમર તોડી નાંખી છે. જો આજ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાશે. ખેડૂતોના હિતમાં સરકારે નિર્ણય લઈ વારંવાર ખાતરમાં વધતા ભાવ અટકાવવા જોઈએ.

(6:02 pm IST)