Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ધર્માંતરણ, વિદેશી ફંડિંગ અને હવાલાકાંડ : ઉમર ગૌતમ અને સલાઉદ્દીનને યુ.પીથી વડોદરા લવાયા

વડોદરાની હદ શરૂ થતાં હાઇવે પરથી વડોદરા પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસા કાફલા સાથે જોડાઇ

વડોદરા :દેશના જુદા-જુદા રાજ્યોમાં ધર્માંતરણને પાર પાડવા, સરકાર વિરોધી આંદોલન કરવા, તોફાનમાં પકડાયેલા તોફાનીઓને છોડાવવા તથા મસ્જિદો બનાવવા કરોડો રૂપિયાના વિદેશી ફંડ હવાલા તથા મની લોન્ડરીંગ મારફતે મેળવવામાં આવતા હતા. યુ.પીના ચકચારી ધર્માંતરણ કેસમાં માસ્ટર માઈન્ડ ઉમર ગૌતમનું નામ ખુલ્યુ હતું. જે બાદ દેશ વિરોધી પ્રવૃતીઓને પાર પાડવા ફંડિગ કરનાર વડોદરાના આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સાલાઉદ્દીન શેખનું નામ ખુલતા બંને સામે યુપીમાં કેસ નોંધાયો હતો. જોકે બાદમાં વડોદરામાં પણ બન્ને વિરૂદ્ધ અલાયદો ગુનો નોંધવામાં આવ્યો હતો. ચકચારી કેસની તપાસ માટે વડોદરા પોલીસે SITની રચના કરી હતી. SITના ટ્રાનસફર વૉરંટને યુ.પીની કોર્ટે મંજુરી આપ્યાં બાદ આજે લોખંડી બંદોબસ્ત વચ્ચે યુ.પી પોલીસ બન્ને આરોપીઓને લઇ વડોદરા પહોંચી છે.

ઉત્તર પ્રદેશના ચકચારી ધર્માંતરણ કેસના માસ્ટર માઈન્ડ ઉમર ગૌતમ પકડાયા બાદ તેને દેશ વિરોધી પ્રવૃતીને પાર પાડવા ફંડીગ કરનાર વડોદરાના આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સાલાઉદ્દીન શેખનું નામ ખુલ્યુ હતું. જેથી ઉત્તર પ્રદેશ પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા ઓપરેશન સલાઉદ્દીન પાર પાડવામાં આવ્યું હતુ. ઉત્તર પ્રદેશ પોલીસે સલાઉદ્દીનની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન તેની આંકરી પુછપરછ કરી હતી. જોકે તેના રિમાન્ડ પૂર્ણ થતા લખનઉ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. દરમિયાન સલાઉનદ્દીન અને ઉમર ગૌતમ સામે વડોદરામાં ગુનો નોંધ્યો હતો. જેથી ટ્રાન્ઝીટ વોરન્ટના આધારે આજે બન્નેને ઉત્તર પ્રદેશ પોલીસે લોખંડી બંદોબસ્ત વચ્ચે વડોદરા લાવી કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. જેથી હવે પછી વડોદરા પોલીસ બન્નેની કસ્ટડી મેળવી વધુ તપાસ હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે, સલાઉદ્દીન અને ઉમર ગૌતમ સામે વડોદરામાં અલાયદો ગુનો નોંધાતા વડોદરા પોલીસે સમગ્ર મામલાની તપાસ ઊંડાણપૂર્વક તપાસ માટે SITની રચના કરી હતી. આ તપાસમાં SITએ અગાઉ સલાઉદ્દીનનો ખાસ મનાતો મોહંમદ હુસેન ગુલામરસુલ મન્સુરીની ધરપકડ કરી હતી. આ દરમિયાન એક પેનડ્રઈવની તપાસે જોર પકડયું હતુ. વડોદરાની આફમી ટ્રસ્ટમાં કરોડો રૂપિયાના વિદેશી ફંડ હવાલા તથા મની લોન્ડરીંગ મારફતે આવતા હોવાનું બહાર આવ્યા બાદ આ ફંડ સલાઉદ્દીન દેશના જુદા-જુદા રાજ્યોમાં ધર્માંતરણ, સરકાર વિરોધી આંદોલન કરવા, તોફાનમાં પકડાયેલા તોફાનીઓને છોડાવવા તથા મસ્જિદો બનાવવા પુરા પાડતો હતો.

(10:52 pm IST)