Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

હાથ ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા આસિ. રેલવે સિક્યુરિટી કમિશનરને ધમકી : કહ્યું- ' જયપુર આવ્યા તો પગે ચાલી નહીં શકો'

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જયપુરના શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અમદાવાદઃ ડિવિઝનલ રેલ્વે ઓફિસ અમદાવાદ ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જયપુરના શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જેમાં  હાથ ઉછીના આપેલા રૂ.11 લાખની માંગણી કરતા આરોપીએ રેલ્વેના આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનરને  પૈસા આપવાની ના પાડી ધમકી આપી છે.જયપુરના રહેવાસી સુવાલાલ દેવારામ જાટે ધમકી આપતા કહ્યું કે 11 લાખ રુપિયાની ઉઘરાણી માટે જયપુર આવ્યા તો પગે ચાલીને નહીં જઈ શકો.

 આ અંગેની વિગત મુજબ ચાંદખેડા મોટેરા રોડ પર દેવપ્રિયા બંગલોમાં રહેતાં પ્રમોદદીપ જ્ઞાનેશ્વરપ્રસાદ તિવારી (52) અમદાવાદ ડિવિઝનલ રેલ્વે ઓફિસમાં પ્રોટેક્શન ફોર્સમાં આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર તરીકે ફરજ બજાવે છે.પ્રમોદદીપ અગાઉ જયપુર ખાતે ફરજ બજાવતા હતા. તે સમયે સુવાલાલ દેવારામ જાટ સાથે પરિચય થયો હતો. પ્રોમદદીપે આરોપીને મકાન બનાવવાનો લેબર કોન્ટ્રેક્ટ પણ આપ્યો હતો. જે મકાનના પૈસા પણ ચૂકવી દીધા હતા. દરમિયાન સુવાલાલને થોડા સમય બાદ પૈસાની જરૂર પડતા તેણે 6 માસના વાયદે પ્રમોદદીપ પાસે પૈસાની માંગણી કરી હતી.

પ્રમોદદીપે આરોપીને 2017ની સાલમાં રૂ.11 લાખ આપ્યા હતા. જોકે મુદતે રકમ પરત ના મળતા ઉઘરાણી શરૂ કરી હતી. આરોપીએ આપેલો ચેક પ્રમોદદીપે બેંકમાં ગત 31 ઓગસ્ટ 2020ના રોજ ભર્યો હતો.જોકે ચેક રીટર્ન થયો હતો. આ અંગે સુવાલાલને ફોન કરતા તે ઉશ્કેરાઈ ગયો અને ધમકી આપી કે મારી પાસે પૈસા નથી માટે હું નહીં આપું. તમે પૈસાની ઉઘરાણી કરવા જયપુર આવશો તો પગે ચાલી પાછા નહીં જઈ શકો.

બનાવ અંગે રેલવે ઓફિસર  પ્રમોદદીપ તિવારીએ આરોપી સુવાલાલ વિરૂધ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(8:14 pm IST)