Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તારમાં નો ડ્રોન ઝોન જાહેર : ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી

અમદાવાદઃ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનીટી પરીસરના આસપાસના વિસ્તારને નો ડ્રોન ઝોન તરીકે જાહેર કરાયો છે. નર્મદા જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલ સતાનીરૂએ એક જાહેરનામુ બહાર પાડયું છે. જે મુજબ ફોજદારી ર્કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ)ની કલમ ૧૪૪ અંતર્ગત સ્ટેચ્યુઓફ યુનીટી પરીસરના આસપાસના વિસ્તાર (૧) નર્મદા નદીના ડાબા કાંઠે સરદાર સરોવર ડેમથી એકતા નર્સરી (ગોરા)સુધી અને (ર) નર્મદા નદીના જમણા કાંઠે સરદાર સરોવર ડેમથી શ્રેષ્ઠ ભારત ભવન, કેવડીયા સુધીના વિસ્તારને નો ડ્રોન ઝોન જાહેર કરાયો છે.

આ વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ચલાવવાની ઓપરેટ કરવાની મનાઇ ફરમાવાઇ છે. આ જાહેરનામાની અમલવારી ૧૬ ઓકટોબરથી શરૂ થશે તો ૧૪ ડિસેમ્બર સુધી તેનો અમલ ચાલુ રહેશે.

અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ર૦૦પની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાનો ભંગ કરનારા લોકો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

(5:51 pm IST)