Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગાંધીનગર નજીક અડાલજ-મહેસાણા હાઇવે પર સવારના સમયે પુરપાટ ઝડપે જતી ટ્રકે 65 વર્ષીય સિક્યુરિટી ગાર્ડને હડફેટે લેતા ઇજાઓથી મૃત્યુ

ગાંધીનગર:શહેર નજીક અડાલજ-મહેસાણા હાઈવે ઉપર અડાલજ ઓવરબ્રીજ નજીક આજે સવારના સમયે પુરઝડપે જઈ રહેલી ટ્રકે ચાલતાં જઈ રહેલા ૬૫ વર્ષીય સિક્યોરીટી ગાર્ડને અડફેટે લીધા હતા અને ગંભીર ઈજાઓના કારણે સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. અકસ્માતના પગલે ટ્રકનો ચાલક ટ્રક મુકીને નાસી છુટયો હતો. જયારે તેમના ભાઈને ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.   

આ અંગે અડાલજમાં રીયનકાસા વસાહતમાં રહેતાં મુકેશભાઈ મહેન્દ્રભાઈ વોરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મોટાભાઈ ૬૫ વર્ષીય હરીશભાઈ મહેન્દ્રભાઈ વોરા અડાલજ ખાતે આવેલા આર-વર્લ્ડ સિનેમામાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં હતાં. રાબેતા મુજબ આજે સવારે તેઓ નોકરી જવા માટે નીકળ્યા હતા તે દરમ્યાન અડાલજ કલોલ હાઈવે ઉપર ઓવરબ્રીજ નજીક ટ્રક નં.જીજે-૧૮-ટી-૯૯૦૪ના ચાલકે તેમના ભાઈ  હરીશભાઈને અડફેટે લીધા હતા અને માથામાં ગંભીર ઈજાઓના કારણે હરીશભાઈનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. પાડોશીએ જાણ કરતાં તેઓ તુરંતજ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમના ભાઈનો મૃતદેહ રોડ ઉપર માથુ છુંદાયેલી હાલતમાં પડયો હતો. અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ટ્રક મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તેમની ફરીયાદના આધારે અડાલજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વૃધ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી હતી. 

(5:25 pm IST)