Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગાંધીનગર જિલ્લામાં ક્રિકેટ સત્તાની પ્રવૃત્તિ પર પોલીસની ચાંપતી નજર: ચિલોડા નજીકથી ઓનલાઇન સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી બે વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર:જિલ્લામાં ક્રિકેટ સટ્ટાની પ્રવૃતિ ઉપર પોલીસ નજર રાખી રહી છે ત્યારે ચિલોડા પોલીસે દોલારાણાવાસણા ગામેથી ઓનલાઈન સટ્ટો રમાડતાં એક શખ્સને ઝડપી પાડયો હતો અને તેને યુઝર આઈડી અને પાસવર્ડ આપનાર બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

હાલમાં ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ મેચો ઉપર સટ્ટાની પ્રવૃતિ વધી છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી સટ્ટો રમાડતાં આવા શખ્સોને ઝડપી રહી છે. હાલ મોબાઈલમાં એપ્લીકેશનની મદદથી સટ્ટાની પ્રવૃતિ વધી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે દોલારાણાવાસણા ગામે ભાગોળમાં પાનપાર્લર પાસે ઈસમ આઈપીએલ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડી રહયો છે. જે બાતમીના પગલે પોલીસે દરોડો પાડી દોલારાણાવાસણા ગામમાં રહેતાં અંકિત શૈલેષભાઈ દરજીને ઝડપી પાડયો હતો જેની પાસેથી એક મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યો હતો. જેમાં વેબસાઈટ ઉપર લાઈવ ટેલીકાસ્ટ જોઈને સટ્ટો રમાડતો હોવાનું ખુલ્યું હતું. આ સટ્ટો રમવા માટે દોલારાણાવાસણા ગામના જ ગીરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ અને દહેગામમાં રહેતાં વિજય પરમાર નામના શખ્સે યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યા હોવાનું બહાર આવતાં પોલીસે તેમની સામે પણ ગુનો નોંધીને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી છે. 

(5:33 pm IST)