Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગાંધીનગર નજીક રાયસણમાં મકાનની બારીની ગ્રીલ તોડી તસ્કરોએ 1.60 લાખની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે શહેર નજીક આવેલા રાયસણ-પીડીપીયુ રોડ ઉપર આવેલી વસાહતમાં મકાનમાં બારીની ગ્રીલ તોડીને મકાનમાં પ્રવેશેલા તસ્કરોએ સોનાચાંદીના દાગીના અને રોકડ મળી ૧.૬૦ લાખની મત્તા ચોરી લીધી હતી. પરિવારજનોને સવારના સમયે ચોરીની જાણ થતાં તેમણે ઈન્ફોસીટી પોલીસને બનાવથી વાકેફ કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી છે. 

ઘરફોડ ચોરીના બનાવો વધતાં વસાહતીઓની ઉંઘ ઉડી રહી છે. ત્યારે રાયસણ પીડીપીયુ રોડ ઉપર આવેલી સિમ્ફની હોમ્સ વસાહતમાં મકાન નં.રમાં રહેતા અને ગાંધીનગર જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગમાં ડીસ્ટ્રીકટ કન્સ્લટન્ટ તરીકે ફરજ બજાવતાં રવિકુમાર જગુભાઈ દેસાઈના મકાનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો છે. ગઈકાલે રાત્રે તેઓ પરિવાર સાથે સુઈ રહયા હતા તે દરમ્યાન તસ્કરોએ બેડરૂમની બારીના સળીયા વાળી તેમાંથી પ્રવેશ કરીને તેમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૬૦ લાખની મત્તા ચોરી લીધી હતી. સવારના સમયે તેઓએ જોયું તો ઘર માલસામાન વેરવિખેર હાલતમાં હતો અને બેડરૂમની બારીના સળીયા વાળી દીધેલી હાલતમાં હતા. જેથી આ સંદર્ભે ઈન્ફોસીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ડોગ સ્કવોડ તેમજ એફએસએલની મદદથી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી છે. ન્યુ ગાંધીનગરમાં વધેલી ઘરફોડ ચોરીને અટકાવવા માટે પોલીસે હવે કડક એકશન પ્લાન બનાવવાની જરૂરીયાત ઉભી થઈ રહી છે.

(5:33 pm IST)