Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મણિનગરમાં સર્વને પાવન કરનારા પુરુષોત્તમ માસમાં યોજાયેલ "શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર ગ્રંથ"ની કથાની પૂર્ણાહુતિ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સર્વ માસોમાં સર્વ શ્રેષ્ઠ માસ કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે. જેને અધિક માસ પણ કહેવામાં આવે છે. અધિક માસ એટલે આપણે આપણા જીવનમાં અધિક ભક્તિ અને સત્સંગ, કથા અને કીર્તન, ધૂન અને ધ્યાન કરવાનો માસ. આ પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે. પુરુષોત્તમ માસ એટલે પતિત જેવા માનવને પણ પાવન કરવા દર ત્રીજા વર્ષે પૃથ્વી પર પ્રગટતું પુનિત પર્વ. એકગણું અર્પણ કરીને અનંતગણું મેળવવાનું પાવન પુણ્યક્ષેત્ર. માણસ માત્રની આધિ,વ્યાધી, ઉપાધિને હરનારું આદિ પર્વ. કળિકાળમાં પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પામીને આત્યંતિક મુક્તિ મેળવવાનો સર્વ શ્રેષ્ઠ માસ. સત્સંગ, સ્મરણ, સેવાના ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ભગવાનના અક્ષરધામને પામવાનો પરમ પવિત્ર માસ. આવો પાવનકારી પુરુષોત્તમ-અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે એની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થતાં જે સમય  લાગે તેને ચંદ્રમાસ કહેવાય. આ ચંદ્રની પ્રદક્ષિણાઓ પૂરી થતાં ૩૫૪ દિવસ, ૮ કલાક, ૪૮ મિનિટ અને ૩૩.પપ સેકંડ જેટલો સમય લાગે છે. પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી થાય તેને વર્ષ કહેવાય છે. અને ૩૬પ દિવસ, પ કલાક, ૪૮ મિનિટ ૪૭.૫ સેકન્ડ જેટલો સમય લાગે છે. આમ થવાથી ચાંદ્રમાન વર્ષ અને સૌરમાન વર્ષ વચ્ચે ૧૧ દિવસનું અંતર પડે છે. આ અંતર વધવા નહીં દેતાં દર ત્રીજે વર્ષે એક માસનો ઉમેરો કરી દેવાય છે. આ ઉમેરેલા માસને પુરુષોત્તમ કે અધિક માસ કહેવામાં આવે છે.  તેમ છતાં થોડાક સમયગાળાનું અંતર રહે છે. તે ટાળવા માટે એકસો એકતાલીસ વર્ષ પછી ક્ષય માસ આવે છે અને એ કારતક, માગશર કે પોષ મહિનો હોય છે. હિરણ્યરંતા, દિવાકર, મિત્ર અને વિષ્ણુ. આ અધિક માસ ૩ર મહિના, ૧૬ દિવસ અને ૪ ઘડીના અંતરે આવ્યા કરે છે. આ મહિનામાં સૂર્ય-સંક્રાન્તિ થતી નથી તેથી અધિક માસ શુભકાર્યોમાં વર્જિત ગણવામાં આવેલો છે. તેથી આ માસમાં લગ્ન તથા મકાનઆદિના વાસ્તુ આદિ શુભકાર્યો કરવામાં આવતા નથી.

પરંતુ અધિકમાસ એ તેરમો મહિનો હોવાથી સાવ જુદો પડી જાય છે. એટલા માટે અધિક માસને કેટલાક મળમાસ પણ કહેવામાં આવે છે. આ માસનો કોઈ અધિષ્ઠાતા દેવ નથી.
લોકોની ઉપેક્ષા અને 'મળમાસ' જેવા હલકા સંબોધનોથી અધિકમાસને અપાર દુ:ખ થયું. તે મનમાં ને મનમાં દુભાવા લાગ્યો. છેવટે તેને ઉપાય સૂઝયો અને તે ભગવાનના શરણે ગયો. ભગવાનને અધિક માસની આપવીતી સાંભળી અને તેને પોતાના શરણે લીધો. અને ભગવાને તેને વરદાન આપ્યું કે, તું મારે શરણે આવેલો હોવાથી મારો ભક્ત છે. હવેથી તારી કોઈ નિંદા કરશે નહીં અને તારા સમયમાં જે કોઈ પુણ્યદાન કરશે તેને સૌથી અધિક ફળ પ્રાપ્ત થશે. હવેથી તું જગતમાં પુરુષોત્તમ માસના પવિત્ર નામથી પ્રસિદ્ધ થઈશ.
આ પ્રમાણે ભગવાનનું શરણ સ્વીકારવાથી ભગવાને તેને પોતાનું 'પુરુષોત્તમ' નામ આપ્યું અને તેઓ તેના અધિષ્ઠાતા દેવ બન્યા. તેથી મળમાસ હવે ધર્મમાસ ગણાવા લાગ્યો અને સર્વમાસો કરતાં તેનું મહાત્મ્ય વધી ગયું. આમ, જે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે તેની મહત્તા વધી જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પુરુષોત્તમ માસ આવે છે. ત્યારે સૌ આશ્ચિતજનો આ માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાર્થે ભગવાનનું ષોડશોપચારથી પૂજન કરે છે તથા નિત્યે પ્રત્યે તેઓ ભગવાન સમક્ષ માળા, પ્રદક્ષિણા, દંડવત્, મંત્રજાપ કરતા હોય તેના કરતાં આ માસ દરમિયાન સવિશેષ કરે છે. આ માસ દરમિયાન સૌ એકટાણાં આદિ વ્રત કરે છે. પુરુષોત્તમ માસમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં રાત્રે કથામૃતનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્વાન સંતો દ્વારા કથામૃતનું સૌ સત્સંગજનો પાન કરે છે. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સૌએ ઓનલાઇન કથામૃતનો લાભ લીધો હતો. આ પ્રથાનો સવિશેષ ફેલાવો શ્રી સ્વામિનારાયણ ગાદીના શું આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કર્યો છે. દર વર્ષે ચાતુર્માસ તથા પુરુષોત્તમ માસમાં સત્સંગીજીવન અથવા સત્સંગીભૂષણ વગેરે ગ્રંથની કથા વાચતા ને સૌ સંતો હરિભક્તો તે સત્સંગનો લાભ લેતા અને જ્યારે અમાવાસ્યા આવે ત્યારે આ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવતુ હતી એ જ પ્રણાલિકા પ્રમાણે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં પણ શ્રાવણ માસમાં અને પુરૂષોત્તમ માસમાં કથા આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં કથા યોજાતી. આજે પણ તેઓશ્રીના અનુગામી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા વિદ્વાન સંતોએ પુરુષોત્તમ માસની કથામાં "શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર ગ્રંથ''નુ કથામૃત રસપાન કરાવ્યુ હતું. પુરુષોત્તમ માસમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા વિદ્વાન સંતોએ કથામૃતનું રસપાન કરાવ્યુ હતું. જેનો દેશવિદેશના હજારો હરિભક્તોએ ઓનલાઇન કથા શ્રવણનો લાભ લીધો હતો.

(1:24 pm IST)