Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ૨૦મીથી પ્રચારમાં જોડાશે : પરેશ ધાનાણીના ધારીમાં ડેરાતંબુ

આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ૩૦થી વધુ ધારાસભ્યોને જવાબદારી

રાજકોટ તા. ૧૭ : રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આગામી ૨૦ ઓકટોબરથી પ્રચાર કાર્યનો આરંભ કરશે અને તમામ આઠ બેઠક પર તબક્કાવાર પ્રચાર કાર્ય માટે જશે. જ્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના મતવિસ્તાર અમરેલીની ધારી બેઠકે ધામા નાખીને સભા ગજાવવાની શરૂઆત કરી દીધી છે, સાથોસાથ સમાજના જુદા-જુદા વર્ગો સાથે મર્યાદીત સંખ્યા સાથે બેઠકોનો દોર આરંભી દીધો છે.

કોંગ્રેસે આઠેય બેઠક માટે ૩૦થી વધુ ધારાસભ્યને બેઠક દીઠ પ્રચાર કાર્યની જવાબદારી સોંપી છે. બીજીતરફ ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે લીંબડીના કોંગી ઉમેદવાર ચેતન ખાચરે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ અને કોંગ્રેસનું કઇ બેઠક પર પલડું ભારે છે તેનું ચિત્ર ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાયા બાદ સ્પષ્ટ થશે.

કોંગ્રેસે આઠ બેઠકની પેટા ચૂંટણી માટે પ્રસાર - પ્રચારની જવાબદારી ૩૧ ધારાસભ્યને સોંપી છે. આ તમામ ધારાસભ્યોએ સોંપાયેલી કામગીરી આરંભી દીધી છે. જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ૨૦મીથી પ્રચાર કાર્યનો આરંભ મોટાભાગે કરજણ બેઠકમાં સભા સંબોધીને કરે તેવી શકયતા છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ તો પોતાના મતવિસ્તારની ધારી બેઠક માટે પ્રચાર કાર્યનો જોરશોરથી આરંભ કરી દીધો છે. જોકે, કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ વિરોધ પક્ષના નેતાને સૌરાષ્ટ્રની ધારી ઉપરાંત ગઢડા, લીંબડી, મોરબી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાની જવાબદારી સોંપાઇ છે. ચૂંટણી પ્રચારના મુદ્દા અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, મુખ્ય મુદ્દાઓમાં સ્થાનિક મુદ્દાઓ ઉપરાંત કોંગ્રેસ સાથે 'ગદ્દારી' કરીને ભાજપની ટિકિટ પરથી ફરીથી ઉમેદવાર બનેલા ઉમેદવારોની સાથે ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણમાં ફી માફી અને આરોગ્ય સેવા ઉપરાંત કોરોનાની સારવારમાં ભાજપ સરકારની નિષ્ફળતા વગેરે જેવા મુદ્દા પ્રજા સમક્ષ લઇ જવાશે.

(1:20 pm IST)