Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વલસાડના પારનેરાના ડુંગરની માતાની ભક્તિમાં શિવાજી મહારાજ પણ લીન થયા હતા

નવરાત્રીના પ્રથમ દિવસે પારનેરાનું મંદિર ભાવિક ભક્તો માટે ખુલ્લુ મુકાતા ભાવિક ભક્તો ઉમટી પડ્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રીની આજથી શરૂઆત થઇ ગઇ છે. ત્યારે વલસાડ પારનેરાના ડુંગર સ્થિત માતા શ્રી ચંદ્રિકા, શ્રી અંબિકા અને શ્રી નવદુર્ગાનું મંદિર આજરોજ ખુલ્લું મુકાયું હતુ. જોકે, અહીં સોસ્યલ ડિસ્ટન્સ સાથે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ ઐતિહાસિક ડુંગરના કિલ્લા પર આવેલા માતાજીનું અનોખુ મહત્વ છે. શિવાજી પણ અહીં ભક્તિમાં લીન થતા હતા.
  વલસાડના પારનેરાનો ડુંગર પેશ્વાઇ સમયથી જાણીતો છે. શિવાજી સુરતથી જ્યારે પણ પરત થતા ત્યારે તેઓ અહીં રાતવાસો કરતા હતા. અહીં શ્રી ચંદ્રિકા માતાજીની આરાધના તેઓ અચૂક કરતા હતા. જ્યારે અહીં મોગલો દ્વારા હુમલો થયો હતો ત્યારે શિવાજીએ પોતાનો ઘોડો અહીંથી કુદાવ્યો હોવાની પણ એક લોકવાયકા છે.
  નવરાત્રીમાં અહીં વલસાડ જ નહી, પરંતુ સુરત, નવસારી, ભરૂચ વગેરેથી ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. પારનેરાના 900 થી વધુ પગથિયા ચઢવા પણ એક અનોખી ભક્તિ કરાવે છે. વલસાડના સ્વાસ્થ્ય પ્રેમીના ગૃપ એવા વલસાડ રેસર્સ ગૃપ દ્વારા આ ડુંગર રોજ ચઢવાની ચેલેન્જ સ્વાસ્થ્ય પ્રેમીઓને અપાઇ છે. તેમના દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ માટે આ અનોખી ચેલેંજ આપી છે. અનેક લોકો આ ચેલેંજ સ્વીકારી રોજ પારનેરાનો ડુંગર ચઢવાની તૈયારી કરી દીધી છે.

(12:47 pm IST)