Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

હવે ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષા ૨૦૨૦થી નવી જ ફોર્મેટમાં

પ્રશ્નપત્ર ૮૦ માર્કના રાખવાનો નિર્ણય : ૨૦૧૯-૨૦ શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થી એનસીઈઆરટી મુજબ અભ્યાસક્રમ સાથે ભણશે : ૨૦ માર્ક સ્કુલો આપશે

અમદાવાદ, તા. ૧૭ :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૦માં ધોરણ ૧૦ની પરીક્ષા માટે ઉપસ્થિત રહેનાર વિદ્યાર્થીઓ નવી ફોર્મેટમાં પરીક્ષા લેવાની તૈયારી કરી લીધી છે જેના ભાગરુપે નવી ફોર્મેટમાં પરીક્ષા થશે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી વિદ્યાર્થીઓને એનસીઇઆરટી મુજબ અભ્યાસક્રમ ચાલશે. સાથે સાથે પ્રશ્નપત્ર ૮૦ માર્કના રહેશે અને બાકીના ૨૦ માર્ક સંબંધિત સ્કુલો દ્વારા આંતરિક મુલ્યાંકનના આધાર પર આપવામાં આવશે. સ્કુલના શિક્ષકો અને પ્રિન્સિપલને મોકલવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઓપ્ટિકલ માર્ક અથવા તો ઓએમઆર ઉપર આધારિત કોઇ પ્રશ્ન રહેશે નહીં. બદલામાં તમામ પ્રશ્નોના જવાબ સંબંધિતરીતે અને નિયમ મુજબ આપવાના રહેશે. સ્કુલોના આચાર્યોને આ સંદર્ભમાં માહિતી આપી દઈને આ સંદર્ભમાં તૈયારી કરવા કહેવામાં આવ્યું છે. પરીક્ષાની પદ્ધતિમાં કરાયેલા ફેરફાર અંગે માહિતી આપવા પણ કહી દેવામાં આવ્યું છે. આમા જણાવવામાં આવ્યું છે કે, વર્ષ રિપીટ કરનાર વિદ્યાર્થીઓ જુના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપશે પરંતુ તેમને નવી પરીક્ષા પદ્ધતિ પાળવી પડશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આની તૈયારી કરી લેવામાં આવી છે. બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર વિદ્યાર્થીઓને કહી દેવામાં આવ્યું છે. બીજી બાજુ બોર્ડે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષા પદ્ધતિ બદલી દીધી છે. વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી શિક્ષણ વિભાગને મળીને રજૂઆત કરવામાં આવ્યા બાદ હવે ઓએમઆર અને બોર્ડ પરીક્ષામાં એમસીક્યુને ચાલુ રાખવાની વિરુદ્ધમાં નિર્ણય કર્યો છે.

(9:34 pm IST)