Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

રાધનપુર બેઠકની ચૂંટણીમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરીને ભાજપનો ખેસ ધારણ કરનાર અલ્પેશ ઠાકોરની શાખ દાવે લાગી

અમદાવાદ :રાધનપુર વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી પર રાજ્ય આખાની નજર ટકેલી છે. કેમકે આ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી ભાજપનો ખેસ ધારણ કરનાર અલ્પેશની શાખ આ બેઠક પર દાવે લાગી છે. તેમની સામે કોંગ્રેસે રઘુ દેસાઇને મેદાને ઉતાર્યા છે. આ બેઠકના ઇતિહાસની વાત કરીએ તો ઠાકોર સમાજ અને ત્યાર બાદ ચૌધરી સમાજના ધારાસભ્યો અહીંથી ચૂંટાયા આવ્યા છે. ભાજપાના દિગ્ગજ નેતા શંકર ચૌધરી ત્રણ વાર આ બેઠક પરથી ચૂંટાયા હતા. જોકે વર્ષ 2010માં નવુ સીમાંકન આવતાં તેમણે બેઠક છોડવાનો વારો આવ્યો હતો.

વર્તમાન ચુટણીને ધ્યાને લઇને જ્ઞાતી આધારે મતદારો પર નજર કરીએ તો

ઠાકોર 72742

પાટીદાર 1182

પ્રજાપતિ 6598

ચૌધરી 23263

દલિત 17279

બ્રાહ્મણ 5908

રબારી 14498

ઠક્કર 5019

મુસ્લિમ 21250

નાઇ 2394

સોની 727

ગોસ્વામી 4698

રાવળ 4895

પંચાલ 3852

દરજી 1798

ભીલ 3809

નિ.ઠાકોર 7315

નાડોદા 9760

બજાણીયા 1732

ગઢવી 1649

વાદી 1956

આહિર 14513

દરબાર 5609

ભરવાડ 4986

સથવારા 357

આ ઉપરાંત અન્ય 14629 મળી રાધનપુર વિધાનસભા બેઠક પર કુલ 258210 મતદારોનો સમાવેશ થાય છે, જે અગામી ધારાસભ્ય કોણ એ નક્કી કરશે.

રાધનપુરમાં આમતો 1997 થી ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતની ચૂંટણી કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક આશાવાદી દેખવા મળી રહી છે. રાધનપુર મતક્ષેત્રમાં થયેલ ચૂંટણીના ઇતિહાસમાં રાધનપુરની પ્રજાએ આજસુધી પક્ષ પલ્ટુ નેતાને ક્યારેય જીતાડ્યા નથી. અને એટલે આ વખતે કોંગ્રેસ પાસે કોંગ્રેસ પક્ષને છોડીને ભાજપમાં ગયેલ અલ્પેશ ઠાકોરને રાધનપુરની પ્રજા હરાવશે તે આશા બંધાઈ છે અને એટલેજ આ વખતે ભાષણોમાં પણ વિકાસની ગાથાઓ સાઈડમાં રહી જાય છે અને પક્ષપલ્ટુના પ્રહાર પહેલા જોવા મળે છે.

રાધનપુરમાં અત્યાર સુધી કોનું કોનુ રાજ રહ્યું

1962

પોરાણીયા દેવકરણ જીવણલાલ, કોંગ્રેસ - 20044 મત (15324 મતે વિજય)

અમૃતભાઇ મોતીભાઇ બારોટ, સ્વતંત્ર પક્ષ 4720 મત

1967

આર. કે. જાડેજા, સ્વતંત્ર પક્ષ - 19044 મત (1833 મતે જીત)

પોરાણીયા દેવકરણ જીવણલાલ, કોંગ્રેસ - 17211

1972

નિર્મલા લાલભાઇ ઝવેરી, કોંગ્રેસ - 18795 મત (9971 મતે વિજય)

સેંદ અભાલ એલ ઠાકુર, નેશનલ કોંગ્રેસ (ઓ) - 8824 મત

1975

ખોડીદાન ભીમજી ઝુલા, કોંગ્રેસ - 30960 મત (19903 મતે વિજય)

કાશીભાઇ હરજીવન દાસ પટેલ, કિસાન મજદુર લોકપક્ષ - 11057 મત

1980

ખોડીદાન ભીમજી ઝુલા, કોંગ્રેસ(આઇ) - 30267 મત (10305 મતે વિજય)

હિમતલાલ ત્રિભોવનદાસ મુલાણી, જનતા પાર્ટી(જેપી)-  19962

1985

ખોડીદાન ભીમજી ઝુલા, કોંગ્રેસ(આઇ) - 50574 (43766 મતે વિજય)

વાલજીભાઇ ગંગારામ ઠક્કર, ભાજપ - 6788

1990

હિમતલાલ ત્રિભોવનદાસ મુલાણી, જનતાદળ - 28744 (5167 મતે જીત)

ખોડીદાન ભીમજી ઝુલા, કોંગ્રેસ(આઇ) - 23582

1995

લવિંગજી મુળજી સોલંકી, કોંગ્રેસ 26403 (307 મતે વિજય)

મેમાભાઇ ડોસાભાઇ ચૌધરી, ભાજપ - 26096

1998

શંકરભાઇ લઘધીરભાઇ ચૌધરી, ભાજપ - 39700 (17422 મતે વિજય)

લવિંગજી મુળજી સોલંકી, કોંગ્રેસ - 22278

2002

શંકરભાઇ લઘધીરભાઇ ચૌધરી, ભાજપ - 63297 (10050 મતે વિજય)

લવિંગજી મુળજી ઠાકોર, કોંગ્રેસ - 53247

2007

શંકરભાઇ લઘધીરભાઇ ચૌધરી, ભાજપ - 55507 (27736 મતે વિજય)

રધુભાઇ મેરાજભાઇ દેસાઈ, કોંગ્રેસ - 27771

2012

નાગરજી હરચંદજી ઠાકોર, ભાજપ - 69493 (3834 મતે વિજય)

ભાવસિંહ ડાયાજી રાઠોડ, કોંગ્રેસ - 65659

2017

અલ્પેશ ખાડાજી ઠાકોર, કોંગ્રેસ - 85777 (14857 મતે વિજય)

લવિંગજી મુળજી ઠાકોર, ભાજપ - 70920

રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીના હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને આ ગણતરીના દિવસોમાં ગામે ગામ ખૂંદવા માટે તેમજ લોકોને આકર્ષવા માટે મોટા કદના નેતાઓ એટલે કે ખુદ મંત્રીઓને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે.

(5:22 pm IST)