Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ટેકાના ભાવે મગફળી વેચવા માટે વિક્રમ સર્જાયોઃ ૪,૪૬,૨૨૬ ખેડૂતોની નોંધણીઃ ૧૮૭ ખરીદ કેન્દ્રો

૨૦૧૭માં ૪,૨૬,૦૦૦ ખેડૂતો નોંધાયેલા, ૨૦૧૮માં ૨,૩૮,૦૦૦ : એક જ ફોન પરથી એકથી વધુ નોંધણી કરાવનારા ૮૫૦૦ ખેડૂતોને સુધારાની તક

રાજકોટ, તા. ૧૭ :. રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી તા. ૧ નવેમ્બરથી ટેકાના ભાવ મણના રૂ. ૧૦૧૮ના ભાવથી મગફળીની ખરીદી શરૂ થનાર છે. હાલ તેની ઓનલાઈન નામ નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. નિગમના કાર્યકારી મેનેજીંગ ડીરેકટર તુષાર ધોળકિયા (આઈ.એ.એસ.) અને જનરલ મેનેજર સંજય મોદી (જી.એ.એસ.)ના માર્ગદર્શન હેઠળ નિગમની ટીમ દ્વારા નોંધણી અને ખરીદીની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.

મગફળી ખરીદી માટે ઓનલાઈન નામ નોંધણીનો વિક્રમ સર્જાઈ ગયો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ ખેડૂતો ૨૦૧૭માં ૪,૨૬,૦૦૦ નોંધાયેલા. ગયા વર્ષે ૨૦૧૮માં ૨,૩૮,૦૦૦ જેટલા ખેડૂતોની નોંધણી થયેલ. આ વખતે આજે બપોર સુધીમાં ૪,૪૬,૨૨૬ ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે. જે અત્યાર સુધીના નોંધણીના તમામ આંકડાઓથી વધુ છે.

ગયા વર્ષે ૧૨૪ માર્કેટયાર્ડોમાં નોંધણી થતી હતી. આ વખતે ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે પણ નોંધણી થઈ રહી છે. તા. ૩૦ ઓકટોબર નોંધણી માટે છેલ્લો દિવસ છે. નોંધણીનુ લગભગ કાર્ય પુરૂ થઈ ગયુ છે. એક જ મોબાઈલ પરથી ખેડૂતોએ ૧ થી વધુ સર્વે નંબરની જગ્યાની મગફળીની નોંધણી કરાવવી હોય તો તે નિગમની પદ્ધતિ મુજબ માન્ય નથી તેથી આવા બેવડાયેલા નામો સુધારી અન્ય મોબાઈલ પરથી નોંધણી કરાવવા માટે ૮૫૦૦ જેટલા ખેડૂતોને તક આપવાનું સરકારે નક્કી કર્યુ છે.  ગયા વખતના ૧૨૪ ખરીદ કેન્દ્રોની સરખામણીએ આ વખતે વધારા સાથે કુલ ૧૮૭ કેન્દ્રો પરથી ખરીદી થશે. તમામ ખરીદ કેન્દ્રો અને ગોડાઉન પર જરૂરીયાત મુજબ ૧ થી ૪ ની સંખ્યામાં સુરક્ષા જવાનો રાખવામાં આવશે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ગોઠવાશે. નિગમના ૨૦૦ કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક જિલ્લા તંત્રમાંથી સેવા લેવામાં આવશે. જરૂરીયાત મુજબ નિવૃત કર્મચારીઓને પણ ફરજ સોંપવામાં આવશે. મગફળીની નોંધણી ઉપરાંત ખરીદી, ગોડાઉન સુધી પરિવહન અને સુરક્ષાને લગતી વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

(3:52 pm IST)