Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

રાધનપુર વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, રઘુભાઇ દેસાઇ, ફરસુભાઇ ગોકલાણી વચ્ચે ત્રિપાંખીયો જંગ

પાટણ તા. ૧૭ :.. પાટણ જીલ્લાના રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. જેમાં ભાજપમાંથી અલ્પેશ  ઠાકોર, કોંગ્રેસમાંથી રઘુભાઇ દેસાઇ અને એનસીપીમાંથી ફરસુભાઇ ગોકલાણી વચ્ચે મુખ્ય જંગ છે. જેમાં કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં છે જેમાંથી ૭ અપક્ષ ઉમેદવારો છે. ત્યારે મતદારો કોને વિજેતા બનાવશે તે તરફ સૌની મીટ મંડાયેલ છે.

પૂર્વમંત્રી શંકરભાઇ ચૌધરીનુ વતન અને તેમના મત વિસ્તારમાં તેમને ટીકીટ ન આપતા અંદરખાને નારાજ જણાઇ રહ્યા છે. ચૌધરી સમાજના ર૦ હજાર મતદારો છે જે કાયમી ભાજપ તરફી છે પણ આ ચૂંટણીમાં શંકરભાઇનું પતુ કાપતા ચૌધરી સમાજમાં પણ રોષ અને નારાજગી પ્રવર્તી રહી છે. ત્યારે ભાજપે -કોંગ્રેસમાંથી ભાજપમાં કુદકો મારી આવેલા અલ્પેશ ઠાકોર, ઠાકોર સેના નામે આગળ વધ્યા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ચૂંટણી જંગમાં જંપલાવતા ઠાકોર સમાજ ખૂબ જ નારાજ થયો છે. પેરાસૂટ અને બહારના ઉમેદવારને કેવો ટેકો આપે છે તે એક પ્રશ્નાર્થ સર્જાય છે. ત્યારે ઠાકોર સમાજના આગેવાનને છેલ્લી ઘડીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. ત્યારે ઠાકોર સમાજના એ પણ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવતા ભાજપના અલ્પેશ ઠાકોરને નુકશાન થવાની સંભાવના રાજકીય પંડીતોમાં મુકાઇ રહી છે. ઠાકોર સમાજ આ બેઠક ઉપર પ્રભુત્વ ધરવે છે. ૮૦ હજાર જેટલા ઠાકોર સમાજના મતદારો છે. જો તેમાં બે ભાગ પડી જાય તો ભાજપને આ બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા જેવુ છે.

ત્યારે કોંગ્રેસે પણ છેલ્લી ઘડીએ અમદાવાદના છે જે બે વખત રાધનપુર- હારીજમાં ચૂંટણી લડી ચૂકયા છે. જેથી મતદારો અને આગેવાનોના સંપર્કમાં છે અને આર્થિક સક્ષમ હોઇ પ્રજામાં જબરજસ્ત લાગી ગયા છે. સરહદી વિસ્તારના નાના ગામડાઓ ખુંદી રહ્યા છે. એનસીપીના ફરસુભાઇ ગોકલાણી, ફરસુભાઇ ગોકલાણી જે લોહાણા સમાજમાંથી આવે છે, જે જીલ્લા પંચાયતમાં ડેલીગેટ તરીકે ચૂંટાઇ શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકયા છે. જે વિવિધ સમાજના લોકો સાથે આત્મીયતાનો નાતો ધરાવે છે. જે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હંફાવી શકે તેમ છે. રાધનપુર - સાંતલપુર વિસ્તારમાં લોહાણા સમાજ રાજકીય રીતે અને આર્થિક રીતે સક્ષમ છે.

રાધનપુર વિસ્તારની આ બેઠક ઉપર ત્રીપાંખીયો જંગ જબરજસ્ત જામ્યો છે. ભાજપમાંથી ગૃહમંત્રી પણ પ્રચારમાં આવી ગયા છે. કેબીનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોર પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે કોંગ્રેસના વાવના ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોર પણ જોરદાર પ્રચાર કરી રહ્યા છે. ત્યારે એનસીપીમાંથી રેશમાં પટેલ આવી ગયા છે.

શંકરસિંહ બાપુને આવવાની શકયતાઓ જણાઇ રહી છે. ભાજપમાં શિસ્તની બીકે કાર્યકરો પ્રચારમાં જાય છે પણ અંદરખાને નારાજ જણાઇ રહ્યા છે. આયાતી પક્ષપલ્ટુ માટે પ્રચાર કરવા જતા મતદારોના વેધક પ્રશ્નનોના જવાબ આપવામાં ભાજપના કાર્યકરો મુંઝાઇ રહ્યા છે. મતદારોનો પ્રશ્ન છે કે શું ભાજપ-કોંગ્રેસ પાસે સ્થાનીક ઉમેદવાર નથી કે બહારથી આયાતી ઉમેદવાર લાવવા પડે છે. સ્થાનીકોને સ્થાન કેમ નહીં...?શહેરના એકપણ રસ્તા સારા નથી ઉબળ-ખાબળ અને ખાડા-ટેકરાવાળા રસ્તાઓથી શહેરની પ્રજા અને વાહન ચાલકો ત્રાસી ઉઠયા છે. શહેરમાં ગટરો ઉભરાવી ઠેરઠેર ખાબોચીયા ભરાવવા તેમજ હાઇવે રોડ ઉપર દબાણો-ગંદકી અને કચરાઓથી પ્રજાના પ્રશ્ને નગરપાલિકા બેદરકારી પ્રજા લાલઘુમ છે.

રાધનપુરને જોડતા અગત્યના માર્ગો આજે ધોવાઇ ગયા છે જેમાં રાધનપુર-સમી-હારીજ રોડ આખો ખલાસ થઇ ગયો છે. આ રોડને ફોરલેન કરવાનું વચન આપવામાં આવેલ. રૂ. ૧ર૪ કરોડ ફાળવેલ પણ બધુ જ કાગળ ઉપર રહેવા પામેલ છે. મહેસાણાથી-કંડલાને જોડતો હાઇવે ફુલ ટ્રાફીકવાળો સરહદી વિસ્તારનો આ અગત્યનો માર્ગ આજે બીસ્માર હાલતમાં છે. પ્રજાની આ ગંભીર ફરીયાદ સામે કોઇ ધારાસભ્ય કે મંત્રીને રસ નથી કે કોઇ સાંભળતુ નથી. તેથી ફોરલેન માર્ગ જોઇએ છે. ત્યારે અનેક પ્રશ્નોનો ઉકેલ ન આવ્યો હોવાથી મતદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

(3:30 pm IST)