Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

જીટીયુ પરીક્ષામાં કોપીકેસ માટે 305 વિદ્યાર્થીઓ દોષિત : 139ને એક સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરાયા

119 વિદ્યાર્થીઓના તમામ વિષયોના પરિણામ રદ

અમદાવાદ : ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીની પરીક્ષા સુધારણા સમિતિએ 305 વિદ્યાર્થીઓને દોષિત ગણાવ્યા છે. આ વિદ્યાર્થીઓએ આ વર્ષે મે-જૂનમાં લેવાયેલી સેમેસ્ટરની પરીક્ષામાં કોપી કરી હતી. તે કોપી કરતા પકડાયો હતા. તેમનું પરિણામ રદ કરવાથી લઇને 2 વર્ષ માટે સંસ્થામાંથી હાંકી કાઢવાની સજા ફટકારવામાં આવી છે. આવા 324 કેસ સમિતિ સમક્ષ પહોંચ્યા હતા, જેમાંથી 305ને દોષિત ઠહેરાવ્યા હતા અને તેમને સજા આપવાનો નિર્ણય કર્યો હતો.

 

મીડિયા રિપોર્ટ અનુસાર 19 વિદ્યાર્થીઓ વિરુદ્ધ સમિતિને પૂરતા પુરાવા મળ્યા નથી, તેથી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોપી કરવા બદલ દોષી ઠેરવવામાં આવેલા 305 વિદ્યાર્થીઓમાંથી 45 હાલની સેમેસ્ટર પરીક્ષામાં એક વિષયમાં નાપાસ જાહેર કરાયા છે, જ્યારે 119 વિદ્યાર્થીઓના તમામ વિષયોના પરિણામ રદ કરાયા છે. આ ઉપરાંત 139 અન્ય વિદ્યાર્થીઓને વર્તમાન સમેસ્ટરની પરિક્ષામાં નાપાસ કરવાની સાથે એક સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય બે વિદ્યાર્થીઓને મોટા પાયે કોપી કરવા બદલ દોષિત હોવાના કારણે 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જીટીયુએ આ વર્ષે 2 મેથી 18 જૂન દરમિયાન સેમેસ્ટરની પરીક્ષા લીધી હતી, જેમાં 4.5 લાખ બાળકોએ ભાગ લીધો હતો. આ માટે, 8 એપ્રિલથી 20 જૂન દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી.

(2:05 pm IST)