Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

રઘુવંશીઓ મન ભરીને ગરબે રમ્યા : સુરતમાં ઐતિહાસિક રાસોત્સવ

શ્રી ઘોઘારી લોહાણા મહાજન - સુરત આયોજીત શરદોત્સવનું સમાપન : ૫ થી ૫૦ વર્ષ સુધીના ખેલૈયાઓએ ભાગ લીધો : વોટ્સએપ સેવા ચાલુ, તેનાથી જ આમંત્રણ, કંકોત્રી - કુરીયર ખર્ચ બચાવાયો : પ્લાસ્ટીક ઉપયોગ પણ કરાતો નથી

રાજકોટ : યુવા રઘુવંશી અગ્રણી વ્રજેશ ઉનડકટ (મો.ઙ્ગ૯૩૭૪૯ ૯૯૯૯૯) અને સાથીઓના નેજા હેઠળ તાજેતરમાં શ્રી ઘોઘારી લોહાણા મહાજન સુરત આયોજીત શરદોત્સવ-૨૦૧૯ નું પર્પલ ઓર્ચીડ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, અખિલ ગુજરાત લોહાણા સમાજ ના પ્રમુખ શ્રી ધનવાન ભાઈ કોટક, સમાજ અગ્રણી શ્રી કનુભાઈ ગોટેચા, શૈલેષભાઇ સોનપાલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં રઘુવંશીઓ મનમૂકીને ગરબે રમ્યા હતા. ૫ વર્ષથી લઈને ૫૦ વર્ષ સુધીના લોકોએ હરીફાઈમાં ભાગ લીધો હતો. સુરતમાં અત્યાર સુધીનો સૌથી ઐતિહાસિક આ કાર્યક્રમ હતો. ઘોઘારી લોહાણા મહાજન સુરતના પ્રમુખ શ્રી વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે આ વખતે સમાજ ને આ કાર્યક્રમ ની જાણ માત્ર વોટ્સએપ દ્વારા કરવામાં આવી હતી. કંકોત્રી ખર્ચ તેમજ કુરિયર ખર્ચ ને બચાવવા માં આવ્યો હતો. ઘોઘારી લોહાણા મહાજને વોટ્સએપ સેવા ચાલુ કરી છે જેમાં સમાજના સારા નરવા પ્રસંગોની માહિતી આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ટાળવામાં આવ્યો હતો. જમણવારમાં પ્લાસ્ટિકના ગ્લાસ કે ચમચીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. માત્ર વોટ્સએપના માધ્યમ થી શરદપૂર્ણિમાના કાર્યક્રમના આંમત્રણ થી મોટી સંખ્યામાં રઘુવંશી ઓ ઉમડી પડતા ઘોઘારી લોહાણા મહાજનના પ્રમુખ શ્રી વ્રજેશ ઉનડકટે સમાજ નો આભાર વ્યકત કર્યો હતો અને કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ મહાજનની આખી ટીમ અને જ્ઞાતિજનોનો પણ આભાર વ્યકત કર્યો હતો..

આ કાર્યક્રમ માં જયૂરી તરીકે પ્રિયંકા ઉનડકટ અને ઉચિતા ઠક્કરે સેવા આપી હતી.. આ હરીફાઈ માં કુલ ૪ ગ્રૂપ રાખવામાં આવ્યા હતા.. એ ગ્રૂપ માં ૫ થી ૮ વર્ષ, બી ગ્રૂપ માં ૯ થી ૧૫ વર્ષ, સી ગ્રૂપ માં ૧૬ થી ૨૫ વર્ષ, ડી ગ્રૂપમાં ૨૫ વર્ષ થી ઉપર. દરેક ગ્રૂપમાં ૫ ઇનામો રાખવામાં આવ્યા હતા..

આ પ્રસંગે સુરતના સાંસદ શ્રીમતી દર્શના જરદોષ પણ રઘુવંશીઓ સાથે ગરબે ઘૂમ્યા હતા. કાર્યક્રમનું એન્કરિંગ જૂનાગઢની રીયા તન્ના એ કરેલ.

(1:18 pm IST)