Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

દોઢ લાખની લાંચ લઇ ફરાર થયેલા રેલ્વેના સિનીયર ઓફીસરની ધરપકડ

અંડરબ્રીજના કામ માટે મેઝરમેન્ટ બુક લખવા પ્રથમ ૩ લાખની માંગણી કરેલ

રાજકોટ, તા., ૧૭: પશ્ચિમ રેલ્વેના અંડરબ્રીજના કામના બીલ મંજુર કરતા અગાઉ મેજરમેન્ટ બુક લખવા માટે રૂ. દોઢ લાખની લાંચ લીધા બાદ ફરાર બનેલ રેલ્વેના સિનીયર સેકસન ઓફીસર સોનુકુમાર મોર્યની એસીબીએ ધરપકડ કર્યાનું એસીબી સુત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે અંડરબ્રીજના કામના માપો માટેની જે મેજરમેન્ટ બુક હોય છે તે લખવા માટે આરોપી દ્વારા પ્રથમ ૩ લાખની માંગણી કરવામાં આવેલ ત્યાર બાદ રકઝકના અંતે દોઢ લાખ રૂપીયામાં ડીલ નક્કી થયેલ.

એસીબી વડા કેશવકુમાર દ્વારા ચલાવાતા  લોકજાગૃતિ અભિયાન અંગે ફરીયાદી માહિતગાર હોવાથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક સાધતા એસીબી દ્વારા ગત તા.ર૯ જુલાઇના રોજ છટકુ ગોઠવી રૂ. દોઢ લાખની લાંચ લેવાના આરોપસર આરોપી રેલ્વે અધિકારીને ઝડપી લીધા હતા. દરમિયાન આ કેસમાં સંબંધક રેલ્વે ઓફીસર નાસતા ફરતા હતા, આ દરમિયાન એસીબી ટીમને 'ફરાર' રેલ્વે ઓફીસર અરવલ્લીમાં હોવાની બાતમી મળતા આરોપીને અરવલ્લીમાંથી ઝડપી લીધાનું એસીબી સુત્રો જણાવે છે.

(12:27 pm IST)