Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ઘરમાં એકલા રહેતા વડીલોના સંતાનો બની પોલીસ દ્વારા અનોખો સેવાયજ્ઞ

અમદાવાદના ડીસીપી નિરજકુમાર બડગુર્જર કહે છે કે એ વડીલો અમારા માતા-પિતા સમાન જ છે : અગાઉથી મેળવેલ વિગતો મુજબ ઘરમાં એકલા, સિનીયર સીટીઝનોને શું શું કાળજી લેવી તે માટે પ્રેમપુર્વક સમજાવાઇ રહયા છે

રાજકોટ, તા., ૧૭: દિપોત્સવીના તહેવારો નજીક આવી રહયા છે, સરકારી ઓફીસોમાં લાંબા વેકેશન સાથે ધંધામાં પણ લાભપાંચમ બાદ ધંધા રોજગાર શરૂ થવાના હોવાથી ઘણા લોકો વિદેશ કે દેશમાં વિવિધ સ્થળોએ ફરવા જઇ રહયા છે ત્યારે ઘણી જગ્યાએ ઘરમાં સિનીયર સીટીઝન સમા વડીલો એકલા હોવાથી તેઓની એકલતાનો  લાભ લઇ તસ્કરો કળા ન કરે તે માટે અમદાવાદના ડીસીપી નિરજકુમાર બડગુર્જર દ્વારા અમદાવાદના શાહીબાગ સહીતના મહત્વના વિસ્તારોના લોકોને જે ઘરમાં સિનીયર સીટીઝન (વડીલો) એકલા રહેતા હોય તેની માહિતી અગાઉથી એકઠી કરી પોલીસ ટીમ દ્વારા આવા વડીલોની તેમના ઘરે જઇ મુલાકાત કરવામાં આવી રહી છે.

સિનીયર સીટીઝનોને મળી તેઓએ શું શું કાળજી રાખવી અને શંકા જેવું જણાય ત્યારે કયાં ફોન કરવા? તેની માહિતી આપવા સાથે ઘરના આગળ-પાછળના દરવાજા અને બારીઓ કઇ રીતે બંધ રાખવી તથા કોઇ દરવાજો ખટખટાવે ત્યારે સીધો દરવાજો ખોલવાને બદલે એકાદ રૂમની બારી થોડીક ખોલી બહાર કોણ છે? તે તપાસવું શકમંદ જેવા શખ્સો હોય તો તુર્ત જ પોલીસ કંટ્રોલને અથવા નજીકના પોલીસ મથકે જાણ કરવી અને આ માટે વડીલોને અગત્યના ફોન નંબર  લખાવી અને ઇમરજન્સી સમયે તુર્ત ફોન નંબર વડીલોને કેવી રીતે મળી રહે? તે બાબતની પણ એ વડીલોના સંતાનો બની ટ્રેનીંગ અપાઇ રહી છે.

ઉકત બાબતે અમદાવાદ ઝોન-૪ના કાર્યદક્ષ ડીસીપી નિરજકુમાર બડર્ગુજરે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે આ તો અમારી ફરજ છે. અમે જે રીતે અમારા માતા-પિતાનું ધ્યાન રાખીએ છીએ તે જ રીતે આ વડીલો પણ અમારા માતા-પિતા સમાન છે અને તેઓ સલામત રહે તે જોવુ અમારી  ફરજ નહિ પણ અમારી જવાબદારી પણ છે. સિનીયર વડીલોના સંતાન બની પોલીસ દ્વારા શરૂ થયેલી આ પ્રવૃતીને વડીલો વખાણ કરવા સાથે અંતરથી આશિર્વાદ પણ આપી રહયા છે.

(12:26 pm IST)