Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

અમદાવાદમાં આયકરે ધોંસ બોલાવી ૨૦ કરોડથી વધુ કરચોરી ઝડપાઇ

બેનામી પ્રોપર્ટી એકટ હેઠળ પણ પગલા લેવાશે? વિદેશોમાં ઓફિસો-જમીન ખરીદીના દસ્તાવેજ મળ્યા

રાજકોટઃ આવકવેરા વિભાગે શીવકુમાર ગોગિયા અને ફાયનાન્સ ગ્રૂપ અને રામભાઈ ભરવાડ અને સુરેશ ઠક્કરના જમીન લે-વેચ કરનાર એમ બે ગ્રુપને ત્યાં ગઇકાલે બીજા દિવસે પણ દરોડાની કામગીરી ચાલુ  રાખેલ હતી. મોટા ભાગે જમીન ખરીદી અને પ્રોજેકટ સંબંધિત દસ્તાવેજો વધુ છે જેના આધારે કરચોરીનો આંક રૂ.૨૦ કરોડ સુધી પહોંચી જવાની શકયતાઓ  હોવાનું અમદાવાદના અખબારો નોંધે છે. દરોડામાં ૭ કરોડની રોકડ રકમ ઉપરાંત બેનામી મિલકતોના દસ્તાવેજો પણ મળ્યા છે જેના આધારે બેનમી પ્રોપર્ટી એકટનો ગુનો દાખલ કરાશે.

 બીજા દિવસે સીવાલી ટેકટાઇલના માલિક શીવકુમાર ગોગિયાની સફલ-૩માં આવેલી ઓફિસો અને દુકાનોમાં  આવકવેરાની કામગીરી ચાલુ હતી.

લેડીઝ ડ્રેસ મટિરિયલ્સનો હોલસેલનો બિઝનેસ કરતા શીવકુમારની દુકાનોમાં પડેલા સ્ટોકનું પણ વેલ્યુએશન ચાલી રહ્યું છે. એટલું જ નહિ અત્યાર સુધી માલના વેચાણ ઉપર કેટલી ઓછી કિંમત આંકી તેની તપાસ ચાલી રહી છે.

માલની ઓછી કિંમત આંકીને બજારમા વેચી મારવામાં આવેલા લેડીઝ ડ્રેસ મટિરિયલ્સની સાચી કિંમત ૧૦૦ કરોડથી વધારે થવા જાય  જતી હોવાનું પણ પ્રસિધ્ધ થયું છે. વિદેશમાં પણ ઓફિસો ખોલી હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

શીવકુમાર ગોગિયા મોહનલાલ મંગલાની અને વિજયકુમાર મંગલાનીને ત્યાં પણ સર્ચ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જયારે ભરવાડ ગ્રૂપમાં સુરેશ ઠક્કરના ત્યાંથી મળેલા દસ્તાવેજોના આધારે અન્ય બિલ્ડરો અને ફાયનાન્સરો સુધી તપાસનો દોર લંબાય તેમ છે.

સુરેશ ઠક્કરની સાથે ધવલ તેલી, ધીરેન ભરવાડ, રામભાઇ ભરવાડ, દિપક મેવાડા અને અનિલ મેવાડા સંકળાયેલા છે.

ધીરેન ભરવાડ પોતે દિપક મેવાડાની સાથે ધરણીધર ડેવલપર્સ નામે બિઝનેસ કરે છે. સુરેશ ઠક્કરના ત્યાંથી રૂ.૨.૫૦ કરોડ અને ધવલ તેલીના ત્યાંથી ૪.૩૦ કરોડની રોકડ રકમ પકડાઈ છે. તે રકમ કયાંથી આવી તેની પૂછપરછ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં  જપ્ત કરાયેલું ઝવેરાત ૮૦ લાખથી વધુ કિંમતનું બહાર આવ્યું છે. 

(11:39 am IST)