Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

કોંગ્રેસ પાર્ટીની રાજનીતિ નિમ્ન સ્તરની છે : જીતુ વાઘાણીનો આક્ષેપ

વાઘાણીની ઉપસ્થિતિમાં થરાદમાં સંમેલન થયું: વોટ બેંકની રાજનીતિ પર કોંગ્રેસે ધ્યાન આપ્યું : ગરીબોના પાયાના પ્રાણ પ્રશ્નોની કોંગ્રેસે ક્યારે પણ ચિંતા કરી નથી

અમદાવાદ,તા.૧૬: પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી-૨૦૧૯ અંતર્ગત થરાદ વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર જીવરાજભાઇ પટેલના સમર્થનમાં બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકામાં આવેલ ગાયત્રી વિદ્યાલય ખાતે માલધારી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સાંસદ પરબતભાઇ પટેલ, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, પૂર્વ મંત્રી રણછોડભાઇ દેસાઇ, બનાસ ડેરીના ચેરમેન અને બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ માવજીભાઇ દેસાઇ સહિત ખેમરાજભાઇ, રાણાભાઇ દેસાઇ, અમરતભાઇ, ગોપાલક વિકાસ નિગમના ચેરમેન અરજણભાઇ દેસાઇ સહિત બનાસકાંઠા જિલ્લા અને થરાદ તાલુકાના ભાજપના હોદ્દેદારઓ, અન્ય સામાજિક સંસ્થાઓના પ્રમુખઓ, માલધારી સહિત વિવિધ સમાજના અગ્રણીઓ, આગેવાનઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ-બહેનો તથા સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણીએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં ૪૦-૫૦ વર્ષો સુધી લાગલગાટ કોંગ્રેસના કુશાસનમાં માત્રને માત્ર ગરીબોનું શોષણ અને લોકોના જીવનધોરણને નીમ્ન સ્તરે લઇ જવાનું કાર્ય થયુ છે. કોંગ્રેસની રાજનીતિ હંમેશા નીમ્ન સ્તરની અને વોટબેંક કેન્દ્રીત રહી છે. કોંગ્રેસના નેતાઓને જનતાની નહિ પણ માત્ર પોતાના જૂથની ચિંતા છે. કોંગ્રેસનો હવે સાર્વત્રિક રકાસ થઇ રહ્યો છે, કોંગ્રેસ હવે તેના કુકર્મોથી જ તેનું અસ્તિત્વ ગુમાવી રહી છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ૨૦૧૪ પછીની ભાજપાની સરકારના કાર્યકાળમાં સમગ્ર દેશમાં ભૌતિક સુવિધાઓ અને લોકોના જીવન ધોરણમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર  બન્યાં બાદ પ્રાથમિક્તાના ધોરણે ગામડાઓ સુધી ગરીબોને પાકા મકાનો, શૌચાલય, પીવાના પાણી અને વીજળી જેવા પ્રાણ પ્રશ્નોને હલ કરવાના પ્રયાસો યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે. ભાજપાના સુશાસનમાં ગુજરાતની જનતા માટે આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગરીબના સંતાનને પણ યોગ્ય શિક્ષણ મળે તેની ચિંતા ભાજપાએ કરી છે અને છેવાડાના ગામડાઓ સુધી શૈક્ષણિક માળખું ઉભું કર્યુ છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આઝાદી મળ્યા બાદ કોંગ્રેસ જ સૌથી વધુ સત્તામાં રહી છે, પરંતુ કોંગ્રેસે ગરીબોના પાયાના પ્રાણ પ્રશ્નોની ક્યારેય ચિંતા કરી નથી. હમેશા ગરીબી દુર કરવાના પોકળ વાયદાઓ કરીને ગરીબો સાથે અન્યાય કરતી કોંગ્રેસની આવી માનસિકતાથી ગુજરાત અને દેશની જનતા સુપેરે પરિચિત થઇ ચુકી છે અને તેના પ્રચંડ પ્રતિસાદ તાજેતરની લોકસભા ચૂંટણીના પરિણામોમાં સૌએ અનુભવ્યો છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાની કેન્દ્ર સરકારે દેશના પ્રત્યેક નાગરિક બુનિયાદી જરૂરિયાતોથી વંચિત ન રહે તેને હંમેશા પ્રાધાન્ય આપ્યુ છે. સામાન્ય નાગરિકોની ચિંતા કરતી આ કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારે મુળભૂત સૂવિધાઓ અને પ્રજાના સ્વાસ્થ્યની દરકાર રાખીને અભૂતપૂર્વ ગતિથી કામગીરી કરી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ''બેટી બચાવો-બેટી પઢાવો'', સ્વચ્છતા અભિયાન અને સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગમાંથી મુક્તિ જેવી મુહિમ આજે જનઆંદોલન બની છે. જે દર્શાવે છે કે દેશના સમગ્ર જનમાનસમાં ભાજપાની વિચારધારા અને કાર્યશૈલીની એક અમીટ છાપ ઉભી થઇ છે.

(10:12 pm IST)