Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સિંહોની સુરક્ષા માટે સરકાર અસરકારક પગલાં ભરે : કોર્ટ

સિંહોના સંદર્ભમાં હાઈકોર્ટ દ્વારા મહત્વના સૂચન : સિંહમાં વાઇરસ ફેલાય નહી તે માટે પગલા જરૂરીઃ સિંહ, વાઘ માટે જતનના ખર્ચમાં ભેદભાવ પ્રશ્ને હાઈકોર્ટ કઠોર

અમદાવાદ, તા.૧૭ : ગીરમાં ૨૩ સિંહોના મોત મામલે આજે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટમાં આજે હાઇકોર્ટે મહત્વના નિર્દેશો જારી કર્યા હતા. જેમાં હાઇકોર્ટે રાજય સરકારને કડક શબ્દોમાં આદેશ કર્યો હતો કે, સિંહોના જતન અને રક્ષણ માટે રાજય સરકાર નિષ્ણાતોના મત મુજબ, તાત્કાલિક અને અસરકારક પગલાં ભરે. એટલું જ નહી, સિંહોમાં વાઇરસ વધુ ના ફેલાય અને વધુ કોઇ સિંહનું મૃત્યુ ના થાય તે માટે ખાસ તકેદારી રાખે અને તે માટેના પગલાં લેવા જરૂરી છે. હાઇકોર્ટે કોઇપણ સંજોગોમાં સિંહોના જતન અને રક્ષણની બાબતને ગંભીરતાથી લેવા અને તેની પર અસરકારતા અને પરિણામલક્ષી રીતે કામ કરવા રાજય સરકારને કડક તાકીદ કરી હતી. એટલું જ નહી, હાઇકોર્ટે સિંહો અને વાઘના જતન અને રક્ષણ પાછળ થતાં વાર્ષિક ખર્ચમાં આટલો મોટો તફાવત અને ભેદભાવ કેમ રખાય છે તે મુદ્દે કેન્દ્ર સરકારને પૃચ્છા કરી તેની પાસેથી ખુલાસો માંગ્યો હતો. હાઇકોર્ટે તા.૧૯મી  જાન્યુઆરી સુધીમાં ખુલાસો કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો હતો. વધુમાં, હાઇકોર્ટે સિંહોના મોત બાદ હાથ ધરાયેલી સારવાર અને સમગ્ર કામગીરી મામલે પ્રગતિ અહેવાલ રજૂ કરવા પણ સરકારને હુકમ કર્યો હતો. આ માટે મામલતદારને જરૂરી અહેવાલ સ્થાનિક કલેકટરને અને ત્યારબાદ તે રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરવા તાકીદ કરી હતી. તા.૧૫મી જાન્યુઆરી સુધીમાં પ્રગતિ અહેવાલ રજૂ કરવા અદાલત દ્વારા તાકીદ કરાઇ હતી. ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં ખુલ્લા કૂવાઓમાં સિંહો પડી જાય છે, તેથી તેમને બચાવવા માટે આવા કૂવાઓ સત્વરે આવરણયુકત બનાવાય તે માટે સરકાર દ્વારા સબસીડી અપાય તે માટે જરૂરી હોઇ સરકારને આવા તમામ કૂવાઓ આવરણયુકત બનાવવા સમયમર્યાદા સાથેનો કાર્યક્રમ ઘડી કાઢવા અને તેની જોગવાઇ કરવા પણ નિર્દેશ કરાયો હતો. હાઇકોર્ટે ગીર પંથક અને તેની આસપાસના વિસ્તારમાં વીજતારની ફેન્સીંગ હટાવવાની કાર્યવાહી કરવા પણ તંત્રને આદેશ કર્યો હતો. હાઇકોર્ટે આ માટે સ્પેશ્યલ ફલાઇંગ સ્કવોડની રચના કરવા અને તેના મારફતે સમગ્ર વિસ્તારમાં સતત અને સમયાંતરે નીરીક્ષણ કરી આવી વીજતારવાળી ફેન્સીંગ દૂર કરવા કડક તાકીદ કરી હતી. જો વીજતાર ફેન્સીંગ ના હટાવાઇ હોય તો તેવા કિસ્સામાં ફરિયાદ દાખલ કરવા સુધીના પગલાં લેવા પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો. અગાઉ આ કેસમાં હાઇકોર્ટ દ્વારા નીમાયેલા કોર્ટ સહાયક દ્વારા કેટલાક અગત્યના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ અને ગુજરાતના ગૌરવ સમા એશિયાટીક લાયનના જતન અને રક્ષણ પાછળ રાજય સરકાર દ્વારા વર્ષે માત્ર રૂ.૯૫ હજારનો ખર્ચ કરાય છે, જયારે તેની સામે વાઘના જતન અને રક્ષણ પાછળ રૂ.૧૫ લાખનો ખર્ચ કરાતો હોવાનો ભેદભાવ તો હોવાનો ભેદભાવ દાખવાતો હોવાનું અદાલતના ધ્યાન પર મૂકાયું હતું. કોર્ટ સહાયક તરફથી અગત્યના સૂચનો કરતાં જણાવાયું હતું કે, ગીર અને તેની આસપાસના ક્ષેત્રોમાં સિંહોના જતન અને રક્ષણનો મામલો ઘણો ગંભીર અને ચિંતાજનક બન્યો છે કારણ કે, આ વિસ્તારમાં ખુલ્લા કૂવાઓ, વીજકરંટવાળી તારની ફેન્સીંગ સહિતના ઘણા પરિબળો છે, જેનાથી સિંહોનું જીવન અને અસ્તિત્વ જોખમમાં મૂકાય છે. આ સંજોગોમાં સમગ્ર ગીર અને તેની આસપાસના પંથકમાં વિગતવાર સર્વે હાથ ધરવામાં આવે. જો કોઇ વીજકરંટની ફેન્સીંગ હોય તો વનવિભાગ અને પશ્ચિમ ગુજરાત વીજકંપની લિ. તેનો પણ સર્વે કરી તે ત્રણથી છ મહિના માટે દૂર કરાવે. અગાઉ રાજય સરકાર તરફથી બચાવ રજૂ કરાયો હતો કે, સરકાર દ્વારા ગીર અને તેની આસપાસના ક્ષેત્રમાં સિંહોના જતન અને રક્ષણ માટે ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો છે અને તે મુજબ કામગીરી હાથ ધરાઇ રહી છે. સિંહોને વાયરસથી રક્ષણ માટે અમેરિકાથી જે વેકિસન મંગાવાઇ હતી તે પણ હાલ અપાઇ રહી છે અને સરકાર સિંહોના રક્ષણ અને જતન માટેના તમામ પગલાંઓ લઇ રહી છે.

(8:18 pm IST)