Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

શાંતિ હણનારા તત્વોને છોડાશે નહીં : સરકારે સોગંદનામું કર્યું

પરપ્રાંતિયો પર હુમલા કેસમાં સરકારનું સોગંદનામું : શાંતિ-ભાઇચારાનો માહોલ સ્થાપિત થાય તે માટે સરકાર પ્રયત્નશીલ : પોલીસે કરેલી કાર્યવાહીની વિગતો રજૂ કરાઇ

અમદાવાદ, તા.૧૭ : રાજયમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાઓ મામલે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં રાજય સરકાર તરફથી પ્રાંતવાદ ફેલાવતા અને પરપ્રાંતીયોને ધમકી, હિંસા કે અત્યાચારનો ભોગ બનાવાયા હોય તેવા કિસ્સામાં કરાયેલી કાર્યવાહી અને લેવાયેલા પગલાનો ચિતાર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. રાજય સરકારે મહત્વનું સોગંદનામું રજૂ કરી અદાલતને હૈયાધારણ આપી હતી કે, ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલાના કે ધમકીના બનાવો ના બને તે માટે સરકાર કટિબધ્ધ છે. રાજયમાં શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ પ્રસ્થાપિત થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારપક્ષ તરફથી આંકડાકીય માહિતી સહિતની વિગતો રજૂ કરતાં જણાવાયું કે, સાબરકાંઠાના ઢુંઢર ગામે પરપ્રાંતીય યુવક દ્વારા માત્ર ૧૪ માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજયમાં ડહોળાયેલી પરિસ્થિતિ અને પરપ્રાંતીયો પર થયેલા હુમલાઓની ઘટના બાદ રાજય સરકાર તરફથી પોલીસ તંત્રને કડક સૂચનાઓ અને નિર્દેશો જારી કરાયા હતા, જેના ભાગરૂપે  પરપ્રાંતીયોના હુમલાના કેસોમાં પોલીસ દ્વારા અલગ-અલગ ૬૩થી વધુ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.  રાજયના ૧૦ જિલ્લાઓમાં ટોળાઓ દ્વારા આ પ્રકારે હુમલાઓ કરવામાં આવ્યા હોવાનું ધ્યાન પર આવ્યું છે પરંતુ તમામ કિસ્સાઓમાં પોલીસે નિષ્પક્ષતાથી અને કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અત્યારસુધીમાં ૭૧૫થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહી, સોશ્યલ મીડિયામાં ઉશ્કેરણીજનક ભાષણ, વીડિયો મૂકનારાઓ સામે પણ આઇટી એકટ હેઠળના ૧૦ કેસો નોંધવામાં આવ્યા છે, જેમાં ૮૯ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. રાજયમાં શાંતિ ડહોળતા તત્વો સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી થઇ રહી છે. ગુજરાત રાજય માટે દેશનો કોઇપણ નાગરિક પરપ્રાંતીય નથી. દેશમાં ઔદ્યોગિક ક્રાંતિમાં નંબર વન ગણાતા ગુજરાત રાજયમાં લાખો માઇગ્રન્ટસ બહારના રાજયો અને પ્રદેશોમાંથી આવીને અહીં વસતા લોકો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહાર સહિતના રાજયોમાંથી લોકો ધંધા રોજગાર માટે ગુજરાતમાં આવયા છે. તમામ જિલ્લા કલેકટર, સ્થાનિક પ્રશાસન અને પોલીસ ફોર્સ સતત પેટ્રોલીંગ,  વોચ સહિતની કામગીરી સાથે સતત ફરજમાં તૈનાત રખાઇ છે. ગુજરાતમાં કોઇની સાથે જન્મસ્થળ કે ભાષાના આધાર પર ભેદભાવ રાખવામાં આવતો નથી, કેટલાક તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ આવા બનાવો થકી રાજયની શાંતિ હણવાનો પ્રયાસ કરાયો છે પરંતુ સરકાર અને પોલીસે તેઓની સામે કડક હાથે કાર્યવાહી કરી છે. આવા તત્વોને ઝબ્બે કરવા સરકાર કટિબધ્ધ છે.

(8:10 pm IST)