Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જીલોડના ત્રિપલ મર્ડર કેસમાં ટ્ર્કના માલિકે આરોપીને ઓળખી કાઢતા કાર્યવાહી હાથ ધરાશે

જીલોડ:ના ત્રીપલ મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા વાંસખીલીયાના અલ્પેશ પરમારની આંકલાવના મામલતદાર સમક્ષ ઓળખપરેડ કરાવાઈ હતી જ્યાં ટ્રકના માલિકે તેને ઓળખી બતાવ્યો હતો. 

 


આંકલાવ તાલુકાના જીલોડ પાસે ગત તા. ૨૨મી સપ્ટેમ્બરની સાંજે કડિયાકામ કરી પરત ફરતા કોસીન્દ્રાના ત્રણની ટ્રકની ટક્કર મારીને કારને કચડી નાંખી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી અલ્પેશ પરમારના સાત દિવસના રીમાન્ડ મેળવીને પુછપરછ કરવામાં આવતાં તે કોસીન્દ્રાના શાહરૂખ મલેક સાથે બે-ત્રણ વર્ષથી કામ કરતો હતો. ત્રણ મહિના અગાઉ હત્યાનો પ્લાન ઘડીને ગોધરા ટ્રક ખરીદવા ગયા હતા જ્યાં સિદ્દીક સુરતીને મળીને ટ્રકની ખરીદી પેટે ૧ હજાર બાના પેટે પણ આપ્યા હતા. જો કે ૧૫ દિવસ સુધી ટ્રક લેવા ના જતાં સિદ્દીક સુરતીએ ફોન કરીને પૂછપરછ કરી હતી ત્યારે હાલમાં જમીનની મેટર ચાલી રહી હોય અને પૈસા ના હોવાને કારણે ટ્રક લેવા આવ્યા નહોતા તેમ જણાવ્યું હતુ. ત્યારબાદ સિદ્દીક સુરતીએ અવાર-નવાર ફોન કરતાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગોધરા ગયા હતા અને ૭૦ હજાર આપીને બીજા પૈસા બાદમાં આપીને ટ્રક ખરીદી હતી. 

અલ્પેશની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, આ કેસનું સુપરવીઝન કરી રહેલા પેટલાદના ડીવાયએસપી સંદિપ ચૌધરીની ૫મી ઓક્ટોમ્બરે બદલી થઈ જતાં શાહરૂખ મલેકે અલ્પેશને ફોન કરીને તેણે બદલી કરાવી દીધી હોવાનુ જણાવ્યું હતુ અને આંકલાવ પોલીસ સાથે સેટીંગ કરી લીધું છે, એટલે આપણને કાંઈપણ થવાનું નથી તેમ જણાવ્યું હતુ. રીમાન્ડ હેઠળ રખાયેલા અલ્પેશ પરમારે પોલીસની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે જેને લઈને પોલીસની ચાર અલગ-અલગ ટીમો ફરાર થઈ ગયેલા શખ્સોને પકડવા માટે દરોડા અભિયાન ચલાવી રહી છે. કોસીન્દ્રાનો ફરાર આરોપી શાહરૂખ મલેક ઝડપાયા બાદ વધુ સ્ફોટક વિગતો બહાર આવે તેવી પણ એક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

(5:02 pm IST)