Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સાદી ડોટ કોમના માધ્યમથી મુંબઈના યુવક સાથે લગ્નના બહાને છેતરપિંડી આચરનાર યુવતી વિરુદ્ધ ફરિયાદ

આણંદ:મુંબઈ ખાતે રહેતી અને સાદી ડોટ કોમના માધ્યમથી મુળ આણંદના પરંતુ હાલમાં કેનેડા ખાતે રહેતા એક યુવક સાથે લગ્નગ્રંથીથી જોડાયેલી યુવતીને પસ્તાવાનો વારો આવ્યો છે. લગ્નના ચાર દિવસ પછી પતિ તેણીનું સ્ત્રીધન લઈને કેનેડા જતો રહ્યો હતો અને ત્યાંથી છૂટાછેડાની નોટિસ મોકલાવતા આ અંગે પરિણીતાએ આણંદના મહિલા પોલીસ મથકે આવીને પતિ, સાસુ-સસરા અને નણંદ વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

 


મળતી વિગતો અનુસાર મુંબઈના સાયન ચુનાભઠ્ઠી ઈસ્ટ ખાતે રહેતી ધારા રમેશભાઈ રાઠોડે સાદી ડોટ કોમમાં તપાસ કરતા મૌલિક શરદભાઈ પટેલે લગ્ન માટે પોતાનો બાયોડેટા મુક્યો હતો જેથી આપેલા નંબર પર સંપર્ક કરતા બન્ને સમંત થયા હતા અને ગત ૬-૩-૧૮ના રોજ બન્નેના પરિવારજનો આણંદ ખાતે મળ્યા હતા અને લગ્ન નક્કી કર્યા હતા. જે અનુસાર તારીખ ૨-૪-૧૮ના રોજ આણંદની સમધરદાસની વાડી ખાતે લગ્ન કરવામા આવ્યા હતા. લગ્ન વખતે ધારાને પિયર પક્ષ તરફથી સોના-ચાંદીના દાગીના સહિત સ્રીધન આપવામા આવ્યું હતુ. લગ્નની નોંધણી આણંદ નગરપાલિકામાં પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પતિ, સાસુ પુર્ણિમાબેન, સસરા શરદભાઈ તથા નણંદ હેતલબેન ૬-૪-૧૮ના રોજ કેનેડા જતા રહ્યા હતા. કેનેડા જતી વખતે ધારાનું તમામ સ્ત્રીધન પણ સાથે લેતા ગયા હતા અને તેણીના વિઝાની ફાઈલ મુકીને તુરંત જ કેનેડા લઈ જવાનો વાયદો કર્યો હતો. 

કેનેડા ગયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ના થતાં ધારાએ ફોન પર પતિ સાથે આ અંગે વાત કરી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા પતિ તથા ઘરના સભ્યોએ તેણીને ગમે તેવી ભાષામાં વાત કરીને કેનેડા નહીં લઈ જાય તેમ જણાવ્યું હતુ. ત્યારબાદ ત્યાંથી છૂટાછેડાની નોટિસ પણ મોકલી હતી જેથી આ અંગે ધારાબેને આણંદના મહિલા પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.

(5:01 pm IST)