Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કપાસ સૂકાવા લાગ્યોઃ શિયાળુ પાકના નામે નાહી નાખવાનું!

ભાદરવો તપતા બોર-કુવાના તળ સડસડાટ નીચા ઉતરી રહયા છે, ખેડૂતોના જીવ ઉંચા ઘઉં, ચણા, જીરૂ, લસણનું વાવેતર કેમ કરવું? સોૈરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આ વખતે પાણીની અછતથી અસરગ્રસ્ત

રાજકોટ, તા. ૧૭ :. રાજ્યમાં ચોમાસુ નબળુ થતા અછતના વાદળો ઘેરાઈ ગયા છે. હજુ ચોમાસુ માંડ પુરૂ થયુ છે ત્યાં ખેતી અને પીવાના પાણી માટે પોકાર શરૂ થઈ ગયો છે. પાછોતરા વરસાદના અભાવની સીધી અસર કપાસના વાવેતર પર આવી છે. જ્યાં જૂન મહિનામાં વાવણી થયેલ ત્યાં કપાસ પ્રમાણમાં સારો થવાની આશા છે પરંતુ જુલાઈ મહિનામાં કે ત્યાર પછી વાવણી થયેલ ત્યાં અત્યારે કપાસના પાકને પાણીની સખત જરૂર છે. જે ખેતરોમાં અત્યારે પાણીની સુવિધા નથી ત્યાં કપાસ સુકાઈ રહ્યાના વાવડ છે. પાણીના અભાવે કપાસ સુકાઈ રહ્યો છે. ખેડૂત વર્તુળોનું કહેવુ એવુ છે કે, આ વખતે કપાસની ગુણવત્તા અને પ્રમાણ બન્ને ઘટશે. ઓછા ઉત્પાદનને કારણે કપાસના ભાવ ઘણા ઉંચા જવાની સંભાવના છે. કપાસની જેમ તુવેર પણ બે સીઝનનો પાક ગણાય છે. તુવેરના વાવેતર પર પણ પાણીની અછતની માઠી અસર વર્તાઈ રહી છે.

ભાદરવાના તડકા તપતા કુવા અને બોરના તળ ઝડપભેર નીચા જવા લાગ્યા છે. ખેતી માટેના પાણીની તકલીફ શરૂ થઈ ગઈ છે. દર વર્ષે દિવાળી આસપાસ જીરૂ, ઘઉં, ચણા, લસણ વગેરેનું વાવેતર થતુ હોય છે. આ વખતે પાણીની હાડમારી હોવાથી ઘણા ખરા વિસ્તારોમાં શિયાળુ પાકનું વાવેતર થવા સામે જ પ્રશ્નાર્થ છે. જ્યાં પાણીની મબલખ સુવિધા છે તેવા ગણ્યાગાંઠયા વિસ્તારોને બાદ કરતા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં શિયાળુ પાકના નામે નાહી નાખવુ પડે તેવા સંજોગો ડોકીયા કરી રહ્યા છે. જે ડેમ સિંચાઈ અને પીવાના પાણી બન્નેના હેતુથી બંધાયેલા છે ત્યાં બન્ને તરફથી ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સરકાર પીવાના પાણીને અગ્રતા આપે તે સ્વભાવિક છે. સિંચાઈ માટે પાણી ન છોડી શકાતા ખેડૂતોએ સહન કરવાનો વારો આવશે. ખેતીની દ્રષ્ટિએ આ વખતનું વર્ષ મહદઅંશે નિષ્ફળ ગણાય છે.(૨-૧૩)

(3:49 pm IST)