Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સરદાર પટેલના સ્ટેચ્યુના લોકાપર્ણ બાદ નવેમ્બરમાં પ્રત્યેક અલગ-અલગ દિવસે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાવો ગુજરાત આવશે

આમંત્રણ કાર્ડ હજુ સુધી છપાવેલ નથીઃ રૂબરૂ જઇને સહુના સમય લેવાઇ રહયા છેઃ વિજયભાઇ

 રાજકોટઃ ૩૧મીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાપર્ણ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાશે.

 દરમિયાન અકિલામાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતા કે ૩૧મીએ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ, પ્રધાનો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા પરંતુ અચાનક આ કાર્યક્રમ ફેરવી નખાયો છે અને આ બધા મહાનુભાવો ૩૧મીએ હાજર નહિ રહે.

 દરમિયાન રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ  રૂપાણી સાથેની વાતચીતમાં તેમણે  અકિલાને જણાવેલ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના  લોકાર્પણના કાર્યક્રમમાં કોઇ નિમંત્રણ કાર્ડ હજુ છપાયા  જ નથી. યુનિટીના સ્થળે ૪-૫ હજારથી વધુ લોકોનો સમાવેશ જ થઇ શકે તેમ નથી.

 શ્રી વિજયભાઇએ કહેલ કે મારા સહિત રાજયના પ્રધાનો જુદા-જુદા રાજયોના મુખ્યમંત્રી સહિતના આગેવાનોને રૂબરૂ મળી નવેમ્બર મહિનામાં તેમની અનુકુળતા મુજબ સમય લઇ રહયા છીએ. યુપીમાં યોગીજીને હુ રૂબરૂ મળેલ અને તેમણે દિવાળી પહેલા જ આવવાની ઇચ્છા વ્યકત કરેલ.

 આમ વિજયભાઇના કહેવા મુજબ વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ મહાનુભાવોને  નવેમ્બરમાં અલગ-અલગ તારીખે સમય લઇ રહયા છીએ અહિ ૫-૬ હજારથી વધુ  લોકોનો સમાવેશ થાય તેમ ન હોય આ વ્યવસ્થા હાથ ધરાયેલ છે.

દરમિયાન એવી માન્યતા ફેલાયેલ કે હાલના પરપ્રાંતીય વિરોધી આંદોલનની જુદા-જુદા રાજયોમાં ગંભીર અસર પડી હોય ૩૧ ઓકટોબર તમામ મહાનુભાવો બોલાવવાને બદલે અલગ અલગ તારીખે બોલાવવામાં આવી રહયા છે. દિલ્હી સહિત કોંગી શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ આવે કે ન આવે તેવી દ્ધિધા વચ્ચે તેમને આમંત્રણ આપવા કે કેમ તે દ્વિધા પ્રર્વતે છે. (૪૦.૧૨)

(3:33 pm IST)