Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી:માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: અમદાવાદમાં પણ વરસાદની શક્યતા

અમદાવાદ : સૌરાષ્ટ્ર સહિત વિવિધ પંથકને ઘમરોળ્યા બાદ ફરીથી એક વખત સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 19 થી 21 સપ્ટેમ્બર એમ 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ રહેશે.

હજુ પણ રાજ્યમાં 19 ટકા વરસાદની ઘટ છે. જો કે આગામી 19 થી 21 સપ્ટેમ્બર સુધીના 5 દિવસો દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી શકે છે. 19 થી 21 સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા અને પાટણ સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની વકી છે.

આ સિવાય અમદાવાદમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે 20 અને 21 સપ્ટેમ્બરે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

, 3 દિવસના વિરામ બાદ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. હિંમતનગરના ભોલેશ્વર, કાંકણોલ અને કાટવાડ પંથકમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આ સિવાય ગુજરાતના 78 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય કુતિયાણા, સંખેડા અને બોડેલીમાં 2-2 ઈંચ અને ડભોઈ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જેતપુર, ઉમરેઠ અને પાવી-જેતપુરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.

જણાવી દઈએ કે, અઠવાડિયાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદે સૌરાષ્ટ્રમાં ભારે વિનાશ વેર્યો હતો. જેમાં ખાસ કરીને જૂનાગઢ અને રાજકોટમાં વ્યાપક અસર જોવા મળી હતી. હજુ પણ વરસાદના પગલે 6 સ્ટેટ હાઈવે સહિત રાજ્યના 56 રસ્તાઓ બંધ છે. જે પૈકી રાજકોટમાં 3 અને પોરબંદરમાં 1 સ્ટેટ હાઈવે ઉપરાંત અમરેલી-જૂનાગઢમાં 1-1 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર બંથ છે. જ્યારે પંચાયત હસ્તકના 49 રસ્તાઓ બંધ છે. જે પૈકી પોરબંદરના 11 તેમજ જામનગર અને જૂનાગઢના 10-10 રસ્તાઓ બંધ છે.

(11:00 pm IST)