Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મોડાસા:મેઘરાજની હોસ્પિટલના ટ્રસ્ટ્રીને નશાની હાલતમાં આવેલ એક શખ્સે લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

મોડાસા: મેઘરજ સ્થિત આવેલી જલારામ હોસ્પિટલના ટ્રસ્ટીને દારૂ ઢેંચી માતાની સારવાર કરાવવા આવેલા એક શખ્સે લાફો ઝીંકી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી હતી.  નગરની હોસ્પિટલનો સ્ટાફ બેવડાઓના બખેડા સામે સુરક્ષિત હોવાની ફફડાટ ભરી લાગણી પ્રસરતાં આવા હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી.

મેઘરજની જલારામ હોસ્પિટલમાં ગત બુધવારના રોજ એક શખ્સ તેની માતાની જરૂરી સારવાર માટે આવ્યો હતો. પરંતુ નશો કરેલી હાલતમાં જણાતા શખ્શે ફરજ ઉપરના સ્ટાફ કર્મીઓ અને ર્ડાકટર સાથે બિભત્સ વર્તન કરી ગાળો બોલી તમાશો કરી રહયો હોઈ સ્ટાફ કર્મીએ હોસ્પિટલના  ટ્રસ્ટી અભિષેકભાઈ પટેલને ટેલિફોનથી જાણ કરી હતી. હોસ્પિટલમાં હોબાળો મચ્યો હોવાની જાણ થતાં ટ્રસ્ટી સત્વરે રાત્રે હોસ્પિટલે દોડી આવ્યા હતા.અને બબાલ મચાવી રહેલા શખ્સ વિશાલભાઈ જગદીશભાઈ પંડયા પાસે જઈ શું થયુંશું તકલીફ છે ? એમ પૂછતાં નશામાં રહેલા શખ્શે એકાએક ઉશ્કેરાઈ હોસ્પિટલના ટ્રસ્ટી અભિષેકભાઈ પટેલ ઉપર હુમલો કરી તમાચો ઝીંકી દીધો હતો. ગાળો ભાંડી રહેલો શખ્સ તેની માતાને લઈ હોસ્પિટલમાંથી ચાલી જતાં પહેલા ટ્રસ્ટીને મારી નાખવાની ધમકી આપી જતાં સ્ટાફ સહિત ટ્રસ્ટી પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. ચકચારી ઘટનામાં જલારામ હોસ્પિટલના ટ્રસ્ટી અભિષેકભાઈ બંસીભાઈ પટેલ નાઓએ નશો કરી હુમલો કરનાર અને તેમને લાફો ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિશાલભાઈ જગદીશભાઈ પંડયા રહે.મેઘરજ નાઓ વિરૂધ્ધ મેઘરજ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.મેઘરજ પોલીસે ફરીયાદીની ફરીયાદના આધારે હુમલો કરનાર અને દારૂ ઢેંચી આમતેમ લથડીયા ખાનાર આરોપી વિશાલ પંડયા વિરૂધ્ધ બે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

(6:16 pm IST)