Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સુરતમાં ગરીબ દીકરીઓના દાગીના અને રોકડ સહિત રૂા.3.7 લાખની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયાઃ તમામ ચોરીનો મુદ્દામાલ જપ્‍ત

અગાઉ સલાબતપુરા, લિંબાયત અને રેલ્‍વે પોલીસના હાથે ઝડપાયા હતા છતાં ચોરી કરતા

સુરત: સુરતના વરાછા વિસ્તારમાં રિક્ષામાં વૃદ્ધને બેસાડી રૂપિયા 3 લાખના સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરનાર ગેંગના બે સાગરીતોને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા. જેઓની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અગાઉ આ ગેંગ સલાબતપુરા, લિંબાયત તથા રેલવે પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યા છે. છતા તેઓ વારંવાર ગુનામાં આચરતા રહે છે.

સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતા હસમુખ કાનાની મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા જ તેમની દીકરીના પતિનું અવસાન થયું હતું. જેથી દીકરીએ પોતાની પાસેના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે 3.07 લાખ રૂપિયા પિતાને સાચવવા આપ્યા હતા. આ દરમિયાન ચાર દિવસ પહેલા હસમુખભાઈ રીક્ષામાં બેસીને વડોદરા જઇ રહ્યા હતા ત્યારે રીક્ષામાં પહેલેથી જ મુસાફરો હાજર હતા. આ મુસાફરોએ હસમુખભાઈને ધમકી આપી હતી. ચપ્પુની અણીએ રીક્ષામાં બેસેલા બે પુરુષ અને સ્ત્રી હસમુખભાઈને અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં તેમને તીક્ષ્ણ હથિયાર બતાવી તેમની પાસેનો રૂપિયા 3 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો.

જે અંગે બાદમાં વૃદ્ધ હસમુખભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે બાતમીના આધારે નરુ ઉર્ફે નુરા શેખ અને રાજીક શેખને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ પાસેથી પોલીસે લૂંટનો તમામ મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ અગાઉ સલાબતપુરા, રેલવે પોલીસ તથા લિબાયત પોલીસ મથકમાં લૂંટના ગુનામાં ઝડપાઇ ચૂક્યા હોવાની હકીકત સામે આવી હતી.

(5:12 pm IST)