Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

માસ પ્રમોશનને બદલે પોતાની ક્ષમતા પૂરવાર કરવા માર્કશીટ જમા કરાવનાર ધો.12ના 19 વિદ્યાર્થીઓની તા.27મીથી પરીક્ષા

તા.27 સપ્ટેમ્બરથી તા. 30 મી સુધી ચાર દિવસ પરીક્ષા યોજાશે :રોજના બે સેશનમાં પરીક્ષા લેવાશે

અમદાવાદ :ગુજરાતમાં કોરોનાની સ્થિતિ માં સંક્રમણ વકરે નહિ તે માટે વિદ્યાર્થીઓના હિતમાં સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અને રિપીટર્સની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. પરંતુ માસ પ્રમોશનના પરિણામથી અસંતુષ્ટ થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના 19 વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ વૈકલ્પિક પરીક્ષા લેવાનું નક્કી થયું જે મુજબ હવે આ પરીક્ષા આગામી તા. 27મી સપ્ટેમ્બરે લેવાનું નક્કી કરાયું છે.

સમગ્ર રાજ્યમાંથી પરિણામથી અસંતુષ્ટ રહેલા માત્ર 19 વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન ની માર્કશીટ જમા કરાવી હતી. હવે આ 19 વિદ્યાર્થીઓને ગાંધીનગરમાં શિક્ષણ બોર્ડ દ્વારા વૈકલ્પિક પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે જેમાં તા.27 સપ્ટેમ્બરથી તા. 30 મી સુધી ચાર દિવસ પરીક્ષા લેવાશે જેનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી તે ઉપરાંત અને બપોરે 2.30થી 5.45 એમ રોજના બે સેશનમાં પરીક્ષા લેવાનાર છે.
તા.27 સપ્ટેમ્બરે પ્રથમ દિવસે સવારે અંગ્રેજી પ્રથમ અને દ્રિતિય ભાષા તેમજ બપોરે ગુજરાતી,હિન્દી પ્રથમ ભાષા અને ગુજરાતી દ્રિતિય ભાષાનુ પેપર રહેશે. 28મીએ સવારે અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાન તેમજ બપોરે એકાઉન્ટ,મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્રનું પેપર રહેશે. 29મીએ સવારે સ્ટેટ,હિસ્ટ્રી અને હિન્દી દ્રિતિય ભાષા વિષયની તેમજ બપોરે એસપી, વાણિજ્ય પત્રવ્યવહાર અને સંસ્કૃતની પરીક્ષા લેવાશે. 30મીએ સવારે વાણિજ્ય વ્યવસ્થા,ભુગોળ અને બપોરે કમ્પ્યુટર તથા સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા લેવામાં આવશે.
આમ માસ પ્રમોશનને બદલે પોતાની ક્ષમતા પુરવાર કરવા આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

(11:18 am IST)