Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ગુજરાત રાજ્ય આઈટીઆઈ માં હાલ તાલીમ શરૂ નહીં કરવાનો નિર્ણય

તમામ સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સ્વનિર્ભર આઈટીઆઈ તથા સંબંધિત તાલીમ કાર્યક્રમો મોકૂક

ગાંધીનગર : ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટમાં  તાલીમી કાર્ય શરૂ કરવાની કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસંધાને કોરોના મહામારીને કારણે હાલ રાજ્યની આઇ.ટી.આઇ.માં પ્રત્યક્ષ તાલીમ શરૂ ન કરવા નિર્ણય લેવાયો

કોવિડ-19ની મહામારીના કારણે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ કે સ્વનિર્ભર આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓની પ્રત્યક્ષ તાલીમ તા.૨૧ સપ્ટેમ્બરથી શરૂ ન કરવા રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જરૂરી આદેશ આપી દેવામાં આવ્યા છે. ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટમાં  તાલીમી કાર્ય શરૂ કરી શકાશે તેવી કેન્દ્ર સરકારની જાહેર થયેલી માર્ગદર્શિકા અનુસંધાને હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ ગુજરાતની આઇ.ટી.આઇ.માં પ્રત્યક્ષ તાલીમ શરૂ ન કરવા નિર્ણય લેવાયો હોવાનું રોજગાર અને તાલીમ ખાતાની યાદીમાં જણાવાયું છે.  

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયની તમામ સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના તાલીમાર્થીઓની મીનીસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ, નવી દિલ્હી દ્વારા રોજ જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટમાં તાલીમી કાર્ય શરૂ કરી શકાશે તેમ સૂચવ્યુ હતું.

રાજ્યમાં હાલ ચાલી રહેલી કોરોના વાયરસ(કોવિડ-19)ની મહામારીના કારણે તાલીમાર્થીઓને સંસ્થા ખાતે રૂબરૂ બોલાવી તાલીમ આપવાનું કાર્ય બીજી સુચના ન મળે ત્યાં સુધી હાલ પુરતું બંધ રાખવા જણાવવામાં આવ્યુ છે. આ અંગેની તમામ સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ તથા સંબંધિત તાલીમાર્થીઓએ નોંધ લેવા રોજગાર અને તાલીમ ખાતાના નાયબ નિયામક શ્રી દ્વારા જણાવાયુ છે.

(8:19 pm IST)