Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

રાજ્યના દરેક ઘરોને નળથી પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં ગુજરાત અગ્રેસર હશે : આદિજાતી બંધુઓનાં ૧.૨૫ લાખ લોકોને જમીન હકો અપાયા : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો ૭૦મો જન્મ દિવસ ત્રણ લાખથી વધુ વન બંધુઓ માટે બન્યો જળક્રાંતિ દિવસ

અંબાજીથી ઉમરગામના વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રૂ. ૧ લાખ કરોડથી વધુની વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મ દિવસ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી ઉકાઇ જળાશય આધારિત રૂ. ૩૦૮ કરોડના ખર્ચે તૈયાર સાગબારા-ડેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજનાનું ઇ-લોકાર્પણ : પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ  સ્પષ્ટ નેમ વ્યક્ત કરી છે  કે નળ સે જલ અંતગર્ત આદિજાતિ વિસ્તારો સહિત રાજ્યના 100 ટકા ઘરોને ઘરે ઘરે નળથી પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં ગુજરાત લીડ લેશે.

               ગુજરાતના આદિજાતી વિસ્તારના તમામ અંદાજે ૨૪ લાખ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પુરૂ પાડવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. આદિજાતી બંધુઓને વધુ આર્થિક પગભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા અંદાજે ૧.૨૫ લાખ લોકોને ખેડે તેની જમીન અંતર્ગત જમીનના હકકો પણ આપ્યા છે એમ તેમણે કહ્યું હતું.

             વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસ નિમિત્તે આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી એ ઉકાઇ જળાશય આધારિત રૂ. ૩૦૮ કરોડના ખર્ચે તૈયાર થયેલી સાગબારા-ડેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજનાનું ઇ-લોકાર્પણ અને ઇ-તક્તીનું અનાવરણ  ગાંધીનગરથી કર્યું હતું.

             પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ૭૦મો જન્મ દિવસ ૨૦૫ આદિજાતિ ગામોના ૩ લાખથી વધુ વન બંધુઓ માટે જળક્રાંતિ દિવસ  બન્યો છે તેમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.

            મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદી જન્મ દિવસ નિમિત્તે તેમના દિઘાર્યુ અને સ્વસ્થ જીવન માટે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી શુભેચ્છાઓ પાઠવી હતી.

             તેમણે મોદી હૈ તો મુમકીન હૈ ના નારાને વધુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદી એક નોખી માટીના માનવી છે. ચરૈવતી ચરૈવતીના મંત્ર સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી થાક્યા વિના પ્રજાની ચિંતા કરીને વિકાસના કામો કરી રહ્યા છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાત સહિત સમગ્ર વિશ્વને વિકાસની રાજનીતિના દર્શન કરાવ્યા છે. આ પહેલાં જ્ઞાતિ-જાતિ આધારિત રાજનીતિ થતી હતી. જ્યારે તેમને વિકાસની રાજનીતિ દ્વારા વિકાસની નવી દિશા આપી છે. પ્રજા પણ વિકાસની રાજનીતિ ઇચ્છે છે. આ પહેલાં વિકાસની રાજનીતિની ચર્ચા થતી જ નહોતી.

           આજે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ભગવાન તેમને ખૂબ શક્તિ આપે, મા ભારતી ફરી જગત જનની બને અને દશોદિશાઓમાં ભારત માતાની વિજય પતાકાઓ લહેરાય અને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનશે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.       

           મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અંબાજીથી ઉમરગામના સમગ્ર આદિજાતી વિસ્તારને મુખ્ય ધારામાં જોડવા-સર્વાંગી વિકાસ માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રૂ. ૧ લાખ કરોડથી વધુની વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી છે જેને આપણે આગળ વધારી રહ્યા છીએ.

         તેમણે માછીમારો તેમજ કૃષિ મહોત્સવ થકી ખેડૂતોના કલ્યાણ માટે ચિંતા કરી છે. ગુજરાતની બહેનોના સશક્તિકરણ માટેની પણ ચિંતા કરી છે. ગરીબોના કલ્યાણ માટે ગરીબ કલ્યાણ મેળા શરૂ કરાવવામાં આવ્યા છે.

          તેમણે કહ્યું હતું કે, આજે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે વિકાસના પંચામૃત એટલે પાંચ કાર્યક્રમોનું લોકાર્પણ કરાયું છે.

આજે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી આપણે સૌ તેમણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ગુજરાત સહિત ભારતના ૧૩૦ કરોડ લોકો તેમના નેતૃત્વમાં સુખી સંપન્ન બને અને આપણને કાયમી માર્ગદર્શન મળતું રહે તેવી આજના શુભ દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

          મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, આજે સાગબારા અને ડેડીયાપાડા વિસ્તારમાં પીવાના પાણી માટે રૂ. ૩૦૮ કરોડની પીવાના પાણીની યોજનાનું આપણે લોકાર્પણ કર્યુ છે.  ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે. અમે એમ કહીએ છીએ કે જેનું ખાતમૂર્હુત અમે કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. આ અભિમાન નહીં પણ સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય છે. તેનું પ્રમાણ છે એમ તેમણે કહ્યું હતું.

        કોરોનાના મહાસંક્રમણમાં પણ જ્યારે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે ગુજરાતમાં રૂ. ૧૦ હજાર કરોડથી વધુના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત અને ઇ-લોકાર્પણ કરીને ગુજરાતની વિકાસ યાત્રા સતત આગળ વધારી છે.

         તેમણે કહ્યું હતું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી, સાવચેતી દ્વારા તેના સંક્રમણને આગળ વધતું અટકાવીશું. લોકો ઓછા સંક્રમિત થાય અને સંક્રમિત થયેલા લોકોને ઝડપી સારવાર મળે રહે અને સાજા થઈને ઘરે પરત જાય તે દિશામાં રાજ્ય સરકાર સતત સક્રિય છે.

         જેના પરિણામે ગુજરાતનો રિકવરી રેટ લગભગ ૮૪ ટકા જ્યારે ગુજરાતનો મૃત્યુદર લગભગ ૨.૭ ટકા સુધી નીચે પહોંચ્યો છે. આ દર ઘટતો જાય છે. જાન ભી જહાંન ભી હૈના મંત્ર સાથે ગુજરાતમાં ધંધા-રોજગાર પુન: શરૂ થયા છે. કોરોના હારશે ગુજરાત જીતશે તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

         મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગામોમાં ૧૦૦ ટકા શૌચાલય, ગુજરાતમાં ૧૦૦ ટકા ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળે, ગુજરાત હેન્ડપંપ મુક્ત બને તે આપણી કલ્પના છે. આદિવાસી વિસ્તારમાં અમારી બહેનો હેન્ડપંપથી પાણી ખેંચવાના તકલીફમાંથી મુક્તિ મળશે. શહેરોમાં ઘરે ઘરે નળ દ્વારા શુદ્ધ પીવાનું પહોંચે છે તેમ આદિવાસી સ્તારોમાં પણ દૂર દૂરના ફળિયાઓમાં નળથી શુદ્ધ પાણી પહોંચે, ફ્લોરાઇડ યુક્ત પાણી નહી, પથરી અને હાથીપગાના દર્દમાંથી મુક્તિ મળશે. પ્રધાનમંત્રીશ્રીને કલ્પના મુજબ નલ સે જલ યોજના અંતર્ગત ૧૦૦ ટકા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ગાંધીનગર શહેરમાં ૨૪ કલાક શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આજે ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું છે. જ્યારે આજે સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારના છેવાડાના લોકોને ઘરમાં નળથી પાણી પાડવા જૂથ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

           મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં મેડીકલ કોલેજો શરૂ કરવામાં આવી છે. આદિવાસી પરિવારના દિકરા-દિકરીઓ ડોક્ટર બની પોતાના વિસ્તારમાં લોકોની સેવા કરે તે હેતુ સાથે આપણે આગળ વધી રહ્યા છે. શિક્ષણનો વ્યાપ વધે તે માટે આશ્રમ શાળાઓ, એકલવ્ય શાળાઓ પણ વધારી રહ્યા છીએ. સિકલ એનીમિયાના દર્દીઓને પણ ખાસ સારવાર આપવામાં આવે છે. આદિવાસી વિસ્તારના લોકો માટે ખેડે એની જમીન અંતર્ગત અત્યાર સુધીમાં ૧.૨૫ લાખ લોકોને જમીનના માલિક બનાવ્યા છે તેની સનદો પણ આપણે આપી રહ્યા છીએ. પેસા એક્ટનો અમલ અમારી સરકારે શરૂ કરાવ્યો છે. જંગલની ખનીજની ઉપજ, વન્ય પેદાશોની ઉપજનો માલિક આદિવાસી બની રહે તે દિશામાં નિર્ણયો કર્યા છે. નર્મદા જિલ્લામાં વૈશ્વિક કક્ષાનું આદિવાસી મ્યુઝિયમ, સાથે સાથે બિરસા મુંડા અને ગોવિંદ ગુરૂનો ઇતિહાસ પણ બધાને જાણવા મળે તે દિશામાં આગળ વધી રહી છે.

            સમગ્ર આદિવાસી વિસ્તારમાં પાણી પુરૂ પાડવા વિવિધ ઉદ્દવહન યોજનાઓ, ડુંગરાળ અને ઉંચાણવાળા વિસ્તારમાં લીફ્ટ ઇરીગેશનથી પાણી પુરૂ પાડવા વિવિધ યોજનાઓ અમલી બનાવી રહ્યા છે. જેમાં તાપી જિલ્લા માટે અંદાજે રૂ. ૧૦૦૦ કરોડથી વધુના કામો, ૩૦,૦૦૦ હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળે તે માટે આગળ વધી રહ્યા છીએ. ઉમરપાડા, ડેડીયાપાડામાં રૂ. ૭૨૦ કરોડની યોજના, નવસારીમાં વાદરેજ પ્રોજેક્ટ, રૂ. ૩૭૨ કરોડના ખર્ચે સુરત ખાતે કાકરાપાર પ્રોજેક્ટ, કરજણ યોજનામાં પણ રૂ. ૪૫૦ કરોડના ખર્ચે અને કડાણામાંથી દાહોદને પાણી આપવાની યોજના આપણે રૂ. ૧૧૨૦ કરોડના ખર્ચે આગળ વધારી રહ્યા છીએ. લગભગ રૂ. ૨૯૦૦ કરોડના ખર્ચે મોટી ૬ યોજનાઓ આ આદિવાસી વિસ્તાર માટે અમલી બનાવી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ૩૩૧ ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ પૂર્ણ કરવામાં આવશે. પાનમ જળાશય આધારિત પૂર્વ પટ્ટીના આદિવાસીઓ માટે પણ રૂ. ૨૫૦ કરોડના ખર્ચે યોજનાનું કામ આગળ વધારી રહ્યા છીએ. અંબાજીથી ઉમરગામના વિસ્તારનો પાણી હશે તો જ વિકાસ થશે તેને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધી રહ્યા છીએ. પાણી હશે તો ખેતી વધુ સમૃદ્ધ થશે, પાણી હશે તો જ વિકાસ સોળે કલા ખીલશે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી આ વિસ્તારના લોકોને ઘરે ઘરે પાણી મળશે તે બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.          

આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસ નિમિત્તે પાણી પુરવઠા વિભાગ વતી શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે દાહોદના લીમખેડાથી સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોને પીવાનું પાણી અને સિંચાઇનું પાણી મળી રહે તે માટે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેની આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં આ યોજનાઓ ઇ-લોકાર્પણ કરી રહ્યા છીએ. મંત્રીશ્રીએ આ પ્રસંગે આ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કાર્યરત અને આગામી સમયમાં અમલી થનાર વિવિધ પાણી અને સિંચાઇની યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી. ગાંધીનગર ખાતે પાણી પુરવઠા વિભાગના સચિવશ્રી ધનજંય દ્વિવેદીએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. 

         નર્મદા ખાતેથી જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સાગબારા અને ડેડીયાપાડા ખાતે પૂર્વ ધારાસભ્યશ્રી મોતીભાઇ વસાવા સહિત વિવિધ અગ્રણીઓ, પદાધિકારી અને અધિકારી ઉપસ્થિત રહેશે.

(5:32 pm IST)