Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

૬ મહિના પછી પ્રવાસીઓ માટે ખુલશે દીવના તમામ બીચ

અનલોક થયા પછી હવે ધીમે ધીમે જનજીવન પાટે ચડતું જઈ રહ્યું છે તો પર્યટન સ્થળો તેમજ ધાર્મિક યાત્રાધામ પણ ખુલી રહ્યાં છે

દીવ, તા.૧૭: ગુજરાતમાં કોરોનાના કુલ ૧૬૩૮૯ એકિટવ કેસ થયા છે તો મૃત્યુઆંક પણ ૩૨૪૭ થયો છે. જયારે કોરોનાનો કુલ આંકડો ૧૧૬૩૪૫ થયો છે. કોરોનાના સંકટ વચ્ચે પહેલા લોકડાઉન અને હવે અનલોક જાહેર થયા પછી ધીમે ધીમે જનજીવન પાટે ચડતું જાય છે તો યાત્રાધામ તેમજ ગુજરાતના પર્યટન સ્થળો સોમનાથ, દ્વારકા, અંબાજી વગેરે પણ ખુલ્યાં છે. આ જ કડી અંતર્ગત હવે દીવ જતા પ્રવાસીઓ માટે પણ ખુશીના સમાચાર આવ્યાં છે.

સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ કોરોના મહામારીએ માઝા મૂકી છે. દિવસે-દિવસે કેસ વધતા જાય છે તો પ્રવાસન સહિત અનેક ઉદ્યોગ ધંધાઓને પણ નુકસાન પહોંચ્યું છે. જોકે, દીવ વહીવટી તંત્રએ હવે પ્રવાસન સ્થળના તમામ બીચ ખુલ્લા મુકવાના નિર્ણય લેતાં સ્થાનિક દુકાનદારો તેમજ વેપારીઓમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં નાગવા, જલંધર સહિતના બીચ ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

જોકે, વહીવટી તંત્રએ આ તમામ બીચ પર ન્હાવા જવાનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. જેથી બીચ તો ખુલી ગયા છે પરંતુ પ્રવાસીઓ ન્હાવાનો આનંદ નહીં માણી શકે. કોરોના મહામારીના કારણે તબક્કાવાર ચર્ચ, કિલ્લો તેમજ ગુફા સહિતના સ્થળો ખોલી દેવાયા હતાં. હવે બીચ પણ ખુલી જતાં સ્થાનિક વેપારીઓમાં પણ ખુશી જોવા મળે છે. જોકે, આ સાથે જ સોશ્યિલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતનો પણ ખ્યાલ રાખવામાં આવશે.

(9:59 am IST)