Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોરોનાથી મોતના આંકડા છુપાવાય છે : અર્જુન મોઢવાડિયા

રાજ્ય સરકાર પર કોંગ્રેસના આકરા પ્રહાર :સરકાર કોરોનાના સાચા આંકડા નહીં આપે તો સીટીઝન કમિશન બનાવી જાહેર કરીશું : કોંગ્રેસના વરિષ્ઠ નેતા

અમદાવાદ,તા.૧૬ : ગુજરાતમાં કોરોનાનો વ્યાપ અને વિસ્ફોટ વધી રહ્યો છે. પરંતુ કાગળ ઉપર સારા દેખાવા સરકાર મૃત્યુના આંકડાઓ છુપાવી રહી છે. રાજ્ય સરકાર આંકડાઓ છુપાવી લોકોમાં કોરનાની ગંભીરતા ઓછી કરી રહી છે. તેવો આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકાર કોરોનાના સાચા આંકડા નહીં આપેતો અમે સીટીઝન કમીશન બનાવી આંકડા જાહેર કરીશું. કોંગ્રેસના પ્રદેશ નેતા અર્જુન મોઢવાડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોનાના સંક્રમણ અને મૃત્યુના આંકડા છુપાવી રહી છે. મે મહિનામાં રોજના ૨૦૪ લોકોના મૃત્યુ સ્મશાનમાં નોંધાયા છે. પરંતુ સરકારી ચોપડે ૧૫-૨૦ લોકોના જ મોત કોરોનાને લીધે થયા હોવાનું બતાવે છે. સ્મશાન ગૃહમાં દર્શાવાતા આંકડા કરતા હકીકતમાં ૩ થી ૪ ગણા વધારે મૃત્યુ થાય છે. સુરતમાં રોજના ૧૦૦ કોરોનાના લીધે મોત સ્મશાનગૃહમાં નોંધાયા છે.

               જુલાઇ મહિનામાં ૧૩ દિવસમાં રાજકોટમાં સરકારી આંકડા મુજબ કોરોનાથી ૯૨ મોત અને મહાનગર પાલિકમાં આકડા મુજબ ૭૯૮ કોરાનાગ્રસ્ત દર્દીઓના મોત થયા છે. જામનગર મહાનગર પાલિકામાં સારકારી આંકડા મુજબ ૨૬ મૃત્યુઆંક અને સ્મશાન ગૃહ મુજબ ૧૮૨ કોરોનાગ્રસ્ત દર્દીના મોત થયાં છે. નમસ્તે ટ્રમ્પ થી લઇને નમસ્તે પાટીલ થી ભાજપે કોરોના ફેલાવ્યો તેવો આક્ષેપ કરતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પાટીલભાઉની આગેવાની હેઠળ ભાજપ સુપર સ્પ્રેડર બન્યું. શરમની વાત એ છેકે મુખ્યમંત્રી ભાઉને સ્પ્રેડર બનતા રોકી ના શક્યા.તેઓ એ કહ્યું કે સરકારને મારી વિનંતી છે કે સરકાર સાચા આંકડા જાહેર કરે.

(9:03 pm IST)