Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

પાલનપુર ખાતે હિરાઉઘોગની મંદી : રત્ન કર્મી દ્વારા આપઘાત

મંદીના ટેન્શનમાં ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત : બનાસકાંઠામાં હિરા ઉદ્યોગમાં તીવ્ર મંદીનો માહોલ છવાયો

અમદાવાદ, તા. ૧૭ : પાલનપુર ખાતે ગોબરીરોડ વિસ્તારમાં રહેતા એક રત્નકલાકારે હિરાઉધોગની મંદીના ટેન્શનમાં ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી જવા પામીછે.

આ અંગે યુવકના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જીલ્લામાં એકમાત્ર એવા હિરાઉધોગમાં ભારે મંદી જોવા મળી રહી છે. જ્યાં જિલ્લા મથક પાલનપુર ઉપરાંત કેટલાક તાલુકા સેન્ટરોમાં ચાલતા હિરાના કારખાનાઓમાં આજુબાજુના ગામડાઓમાંથી આવતાં રત્નકલાકારો હિરા ઘસી રોજીરોટી મેળવી રહ્યા છે. પરંતુ વર્તમાન સમયની મંદિમાં માંડમાંડ આર્થિક ઉપાર્જન થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં પાલનપુરના એક રત્નકલાકારે મંદિના ટેન્શનમાં ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો.

        આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતુ કે, શહેરના ગોબરીરોડ વિસ્તારમાં રહેતા મુકેશભાઇ જગદીશભાઇ રોહિત (ઉ.વ. ૩૪)  હિરા ઘસીને પરિવારજનોને આર્થિક મદદ કરતો હતો. જોકે, હિરામાં મંદિ આવતાં માનસિક ટેન્શનમાં રહેતા હતા. આથી તેમણે રવિવારે રાત્રે પાલનપુર તાલુકાના જગાણા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. જેમના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવી વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો. આ અંગે મૃતકના ભાઇ અશોકભાઇ જગદીશભાઇ રોહિત (પરમારે) પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:57 pm IST)