Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અમદાવાદ : અકસ્માતમાં દરરોજ એક વ્યક્તિનું મોત

૨૦૧૯માં હજુ સુધી ૨૭૦ લોકોના મોત થયા છે : ૨૦૧૮માં મોતનો આંકડો ૩૨૦ થયો હતો : બેદરકારી, ખરાબ રસ્તા, ખરાબ બનાવટના કારણે ફેટલ અકસ્માતો

અમદાવાદ, તા. ૧૭ : અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરમાં નવા ટ્રાફિક નિયમોને લઇને હોબાળો મચેલો છે ત્યારે બીજી બાજુ રસ્તાઓની ખરાબ હાલતના કારણે તથા ટ્રાફિકના નિયમોના ભંગના લીધે અકસ્માતોનો સિલસિલો પણ જારી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોના મોતની સાથે સાથે સેંકડો લોકોને ગંભીર ઇજાઓ થઇ છે જેથી આ લોકો વિકલાંગતામાં ગરકાવ થઇ ગયા છે. એક બાજુ રસ્તાઓને સુરક્ષિત બનાવવા કઠોર ધારાધોરણો લાગૂ કરવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેરમાં પહેલી જાન્યુઆરીથી લઇને ૩૧મી ઓગસ્ટ ૨૦૧૯ સુધીના ગાળામાં રસ્તાઓ ઉપર દરરોજ સરેરાશ એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. શહેર ટ્રાફિક પોલીસના આંકડાઓમાં આ મુજબની વાત કરવામાં આવી છે. આ ગાળા દરમિયાન શહેરમાં ૯૨૩ અકસ્માતો નોંધાઈ ચુક્યા છે જે પૈકી ૬૦ અકસ્માતો ફેટલ રહ્યા છે અને તેમાં ૨૭૦ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં ૨૧૭ પુરુષો અને ૫૩ મહિલાઓનો સમાવેશ થાય છે.

          ફેટલ કેસો ઉપરાંત ૩૦૧ લોકોને ગંભીર ઇજાઓ થતાં આ લોકો કેટલાક કારણોસર વિકલાંગ બન્યા છે. ગયા વર્ષે આ આંકડો આનાથી પણ વધુ ખતરનાક રહ્યો હતો. એ વખતે ૩૨૦ લોકોના મોત થઇ ગયા હતા જેમાં ૨૫૯ પુરુષો અને ૬૧ મહિલાઓનો સમાવેશ થાય છે. કુલ ૧૬૧૦ જેટલા અકસ્માતો જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન ગયા વર્ષે નોંધાયા હતા. ઓગસ્ટ ૨૦૧૯માં અને ૨૦૧૩ વચ્ચેના ગાળામાં માર્ગ અકસ્માતનો આંકડો ખુબ ઉંચો રહ્યો છે અને મોતનો આંકડો પણ ખુબ ઉંચો રહ્યો છે. આ ગાળામાં ૨૦૧૯ જેટલા લોકોના મોત થઇ ચુક્યા છે જેમાં ૧૬૬૨ જેટલા પુરુષો અને ૩૫૭ મહિલાઓનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોને લઇને હોબાળો મચેલો છે. ટ્રાફિક પોલીસના લોકોનું કહેવું છે કે, રસ્તાઓની ભુલભરેલી બનાવટ અને બીઆરટીએસ ટ્રેક અને અન્ય પ્રકારની ખામીઓના લીધે અકસ્માતો વધ્યા છે.

            ગયા વર્ષે ૩૪ વર્ષીય ઓઢવની મહિલાનું મોત થયું હતું એ વખતે ત્રણ બાળકો સાથે આ મહિલાને કચડી નાંખી હતી. ટ્રક ડ્રાઇવરે રસ્તા ઉપર સાવચેતી રાખવાના પ્રયાસ કર્યા હતા પરંતુ આ ઘટના બની ગઈ હતી. આ વર્ષે બીઆરટીએસ ટ્રેકને ક્રોસ કરતી વેળા પ્રમાણમાં ઓછા લોકોના મોત થયા છે પરંતુ મોતનો સિલસિલો જારી રહ્યો છે. માણેકબાગ, નહેરુનગર, જનતાનગર, બોપલ, પલ્લવનગરમાં મોતના આંકડા નોંધાયા છે. પોલીસનું કહેવું છે કે, બેદરકારીપૂર્વકની ડ્રાઇવિંગ અને વધારે પડતી ઝડપથી દજોડતી કાર, ટ્રક, એએમટીએસ અને બીઆરટીએસના લીધે અકસ્માતો સર્જાયા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત થયા બાદ આની ચર્ચા પણ જોવા મળી રહી છે.

ફેટલ અકસ્માતો........

અમદાવાદ, તા. ૧૭ : અમદાવાદમાં માર્ગો ઉપર અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે. આ વર્ષે હજુ સુધી ૨૭૦ લોકોના મોત થઇ ચુક્યા છે. અમદાવાદ શહેરમાં કયા વર્ષે કેટલા લોકોના મોત માર્ગ અકસ્માતોમાં થયા તેનો આંકડો નીચે મુજબ છે.

વર્ષ

મોતના આંકડો

૨૦૧૩

૨૩૦

૨૦૧૪

૨૬૨

૨૦૧૫

૩૨૮

૨૦૧૬

૩૧૫

૨૦૧૭

૨૯૪

૨૦૧૮

૩૨૦

૨૦૧૯

૨૭૦

(9:54 pm IST)