Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

2જી અને 31મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી ગુજરાતમાં: સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધનો અમલ કરવા દેશને સંદેશ આપશે

2જીએ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.: 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતા કેવડિયામાં અનેક કાર્યક્રમો

ગાંધીનગર: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી 2જી ઓક્ટોબર અને 31મી ઓક્ટોબરે ગુજરાતમાં ઉપસ્થિત રહીને દેશને સંદેશ આપશે. 2જીએ મોદી સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધનો અમલ કરવાની સમગ્ર દેશને સૂચના આપશે જ્યારે 31મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી દેશને એકતાનો સંદેશ આપશે.

  પીએમ મોદીએ ગુજરાતની એક દિવસની મુલાકાતમાં પ્રદેશના નેતાઓ સાથે મેરેથોન ચર્ચાઓ કરી છે. મહાત્મા ગાંધીની 150મી જન્મજ્યંતિની ઉજવણી અને તે દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવા અંગે રાજ્યના મુખ્યમંત્રીને સૂચના આપી છે. મોદી બીજી ઓક્ટોબરે ફરીથી ગુજરાત આવશે અને સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.

 પીએમ મોદીએ રાજ્ય મંત્રીમંડળના સભ્યો ઉપરાંત અમદાવાદના મેયર બીજલ પટેલ સાથે બીજી ઓક્ટોબરના કાર્યક્રમો અંગે વિચાર વિમર્શ કર્યો હતો. એ સાથે 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું ત્યારે તે અંગેના કાર્યક્રમો અંગે રાજ્યની કેબિનેટ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. 31મી ઓક્ટોબરે પણ મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે.

ગુજરાત માટે 2જી અને 31 ઓક્ટોબર મહત્વની છે. ગુજરાત સરકારે અમદાવાદ અને કેવડિયામાં મોદીની ઉપસ્થિતિમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રાજભવનમાં લાંબા રોકાણ દરમ્યાન મોદી સમક્ષ ગુજરાત સરકારના અધિકારીઓએ આ બન્ને મહત્વના દિવસોનું પ્રેઝન્ટેશન કર્યું હતું જેમાં મોદીએ કેટલાક સુધારા પણ સૂચવ્યા હતા. રાજભવનમાં મોદીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે રાજકીય સાથે સરકારની કામગીરીની ચર્ચાઓ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

(8:13 pm IST)