Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વડાપ્રધાન મોદીના જન્મદિને સમર્થક દ્વારા વિવિધ કાર્યક્રમ

મોદીના જન્મદિવસે તમામ સમર્થકો દ્વારા શુભેચ્છા : નરેન્દ્ર મોદીએ વડનગર રેલવે સ્ટેશન ઉપર ચા વેચવામાં પોતાના પિતાની મદદ કરી હતી : ખુબ સંઘર્ષ કરી ચુક્યા

નવીદિલ્હી, તા.૧૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે તમામ તેમના સમર્થકો અને વિરોધીઓ દ્વારા પણ તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પણ મોદીને સવારમાં જ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. સવારથી જ તેમના સમર્થકો દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એક સામાન્ય પરિવારથી વડાપ્રધાન બનવા સુધીની તેમની યાત્રા ખુ જ પ્રેરણા સમાન રહી છે. તેમના વિરોધીઓ પણ તેમની શિસ્તની હમેંશા પ્રશંસા કરતા રહે છે.  વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં શાનદાર અને ઐતિહાસિક જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન તરીકેના તેમના ગાળા દરમિયાન તેઓ દરેક મોરચે કેટલીક ઐતિહાસિક પહેલ કરી ચુક્યા છે. બીજી બાજુ કેટલાક લોકલક્ષી નિર્ણય લઇ ચુક્યા છે. તેમની ભારતમાં લોકપ્રિયતા આજની તારીખમાં પણ ખુબ વધારે છે.

                         તેમના કામને લઇને વિરોધીઓ પણ વાંધો ઉઠાવે તેવી સ્થિતીમાં નથી.મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા બાદથી જ મોદીએ દિન રાત એક કરીને ભાજપની લોકપ્રિયતાને ચરમસીમા ઉપર લઇ જવામાં સફળતા મેળવી હતી. આજ કારણસર ભાજપને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતિ મળી ગઇ હતી. મોદીએ ભાજપને દેશમાં ફરી સત્તામાં લાવતા પહેલા ગુજરાતમાં ત્રણ વખત સતત જીત અપાવવામાં ભૂમિકા ભજવી હતી. દેશના વડાપ્રધાન બનતા પહેલા જુદી જુદી જવાબદારી તેઓ ભાજપમાં સંભાળી ચુક્યા છે. ૧૯૯૫, ૧૯૯૮માં ચૂંટણીમાં પક્ષને જીત અપાવવામાં તેમની ભૂમિકા રહી હતી. મુખ્યમંત્રી તરીકે પણ મોદી ગુજરાતમાં હેટ્રિક નોંધાવી ચુક્યા છે. જુલાઈ ૨૦૦૭માં ગુજરાતના ઇતિહાસમાં તેઓ સૌથી વધારે સમય સુધી સેવા કરનાર મુખ્યમંત્રી બની ગયા હતા. મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સભ્ય તરીકે રહ્યા છે. મિડિયા, સ્કોલર્સ અને અન્યો મોદીને એક હિન્દુ નેતા તરીકે ગણે છે. મોદીએ પોતાની શક્તિશાળી છાપ ઉભી કરી છે જેના પરિણામ સ્વરુપે યુવા પેઢી પણ તેમની તરફ આકર્ષિત થઇ છે. તેમના વહીવટીતંત્રની ૨૦૦૨ની ગુજરાત હિંસા દરમિયાન ટિકા પણ થઇ હતી. આર્થિક નીતિઓના મામલે તેમની હંમેશા પ્રશંસા રહી છે. નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના દિવસે ગુજરાતના મહેસાણા જિલ્લામાં વડનગરમાં પછાત ઘાંચી-તેલી પરિવારમાં થયો હતો.

                     દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હિરાબેનના તેઓ છ બાળકો પૈકીના ત્રીજા બાળક છે. તેઓએ  વડનગર રેલવે સ્ટેશન ખાતે તેમના પિતાના ચા વેચવાના કામમાં મદદ પણ કરી હતી. તે વખતે તેઓ બાળક હતા. નાનપણમાં જ તેઓ બસ સ્ટેન્ડ નજીક તેમના ભાઈની સાથે ચાના સ્ટોલ પણ ચલાવી ચુક્યા છે. વડનગરમાં મોદીએ શિક્ષણ મેળવ્યું હતું. વડનગરમાં શિક્ષકો તેમને એક સરેરાશ વિદ્યાર્થી તરીકે ગણતા હતા. તેમને ફિલ્મોમાં ખુબ રસ હતો. મોદીના માતાપિતાએ તેમના બાળપણમાં લગ્ન નક્કી કરી દીધા હતા. ઘાંચી જાતિની પરંપરા મુજબ તેમના લગ્ન થયા હતા. તેમના જશોદાબહેન સાથે લગ્ન થયા હતા. મોદી ૧૮ વર્ષના થયા ત્યારે તેમના લગ્ન થઇ ગયા હતા. મોદી ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ આરએસએસમાં જોડાઈ ગયા હતા. નરેન્દ્ર મોદીની લાઇફ પ્રેરણાથી ભરેલી છે. પોતાના કામ પોતાની રીતે કરવામાં તે વધારે વિશ્વાસ રાખે છે. મોદી હાલમાં દુનિયાના સૌથી લોકપ્રિય નેતા પૈકી એક તરીકે છે.

નરેન્દ્ર મોદી બાયોડેટા..

નામ

નરેન્દ્ર દામોદરદાસ મોદી

જન્મતારીખ

૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦

જન્મસ્થળ

વડનગર, ગુજરાત

રાજકીય પાર્ટી

ભાજપ

પત્નિ

જશોદાબહેન

ધર્મ

હિન્દુ

સંઘમાં જોડાયા

૧૯૭૧

ભાજપમાં સામેલ થયા

૧૯૮૫

ભાજપના સેક્રેટરી ચૂંટાયા

૧૯૮૮ (ગુજરાત એકમ)

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા

૭મી ઓક્ટોબર ૨૦૦૧

મોદીના પૂર્વગામી

કેશુભાઈ પટેલ

વડાપ્રધાન બન્યા

મે ૨૦૧૪

પૂર્વગામી

મનમોહનસિંહ

(7:58 pm IST)