Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ઉસ્માનપુરા : તોફાની તત્વોએ આતંક મચાવતા જોરદાર ભય

વાડજમાં લુખ્ખા તત્વોનો આંતક વધી રહ્યો છેઃ અસામાજિક તત્વો દ્વારા કરાયેલી તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : પોલીસે બે આરોપીની કરેલી ધરપકડ

અમદાવાદ, તા.૧૬: શહેરના વાડજ વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે. અઠવાડિયા પહેલાં ઉસ્માનપુરામાં પાવાપુરી ફ્લેટ નજીક બે શખ્સોએ લાકડી અને ધોકા વડે રાહદારીઓને રોકી રીતસરનો આતંક મચાવ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જો કે, ઘટનાના એક અઠવાડિયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી આ સમગ્ર પ્રકરણમાં મોડે મોડે પણ બે આરોપીઓની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ મીડિયામાં આવતા ઝોન-૧ના ડીસીપી પ્રવીણ માલ વાડજ પાવાપુરી ફ્લેટ પાસે તપાસ માટે પહોંચી ગયા હતા. પોલીસ પોતાની કામગીરી કરી રહી છે તેવું બતાવવા માટે ડીસીપી એક અઠવાડિયા બાદ ત્યાં પહોંચી ગયા હતા. મીડિયામાં સીસીટીવી ફૂટેજ આવ્યા બાદ વાડજ પોલીસને આ મામલે બે આરોપીની ધરપકડ કરવાની ફરજ પડી હતી. ઉસ્માનપુરાના પાવાપુરી ફ્લેટ નજીક ગત તા.૮ સપ્ટેમ્બરના મોડી રાત્રે કેટલાક અજાણ્યા લોકોએ ફ્લેટની બહાર પાર્ક કરેલી બેથી ત્રણ ગાડીઓમાં તોડફોડ કરી હતી. જે મામલે ફ્લેટના રહીશ દ્વારા વાડજ પોલીસ સ્ટેશનમાં બીજા દિવસે ફરિયાદ નોંધાવામાં આવી હતી. ઘટનાના એક અઠવાડિયા બાદ ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ બહાર આવ્યા હતા. જેમા કેટલાક લોકો હાથમાં ધોકા અને પાઇપ વડે રાહદારીઓને રોકી અને મારામારી રહ્યા છે. તેમજ ફ્લેટના રહીશોની કારના કાચ પણ તોડી નાખતા નજરે પડ્યા હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આજે મીડિયામાં પ્રસારિત થતા વાડજ પોલીસ અને ઝોન-૧ ડીસીપી પ્રવિણ માલ પાવાપુરી ફ્લેટ પર તપાસ માટે પહોંચ્યા હતા. સામાન્ય રીતે વાડજ વિસ્તારમાં આવી ઘટનાઓ અવાર-નવાર બનતી હોય છે અને ખુલ્લાતત્વો બેફામ બનતા હોય છે. છતા પોલીસ તેઓને રોકી શકતી નથી.

ફુટેજ આવ્યા બાદ હરકતમાં આવેલી પોલીસ તપાસમાં લાગી હતી અને બપોરે બે આરોપીઓ મેહુલ પાટડિયા અને નરેશ બડગા(બંન્ને વાડજમાં રહે છે)ની ધરપકડ કરી લીધી હતી. જો કે, સમગ્ર વિસ્તારમાં છાશવારે આ પ્રકારની લુખાગીરી અને ગુંડાગીરીની ઘટનાઓને લઇ સ્થાનિક નાગરિકો ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને તેથી પોલીસે આ મામલે તાત્કાલિક આકરાં પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.

(9:51 pm IST)