Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વાંસદા તાલુકામાં પ્રાથમિક શાળાઓ મર્જ કરવાના નિર્ણંય સામે વિરોધ:સ્થાનિકોએ રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું

વાંસદાના ધારાસભ્ય સહિત આદિવાસીઓ સમાજે વિશાળ રેલી યોજી

વાંસદા : રાજ્ય સરકારે ઓછી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓ ભેગી કરીને મર્જ કરવાના નિર્ણય સામે વાંસદા તાલુકામાં ભારે વિરોધ થઇ રહયો છે. શાળાઓ મર્જ નહિ કરવાની માંગ સાથે સ્થાનિકોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

   રાજયમાં પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે સરકાર પ્રયાસો કરી રહી હોવા છતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ધટાડો થઇ રહયો છે. તાજેતરમાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા હોય તેવી શાળાઓને મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સામે વાંસદા તાલુકામાં જન આક્રોશ જોવા મળી રહયો છે.

  આદિવાસી પંથક ગણાતા વાંસદા તાલુકામાં અભ્યાસ માટે સરકારી પ્રાથમિક શાળાઓ આર્શીવાદ સમાન છે. તેવા સંજોગોમાં શાળા મર્જ કરવાનો સરકારનો નિર્ણયના વિરોધમાં વાંસદાના ધારાસભ્ય સહિત આદિવાસીઓ સમાજે વિશાળ રેલી યોજી હતી.વાંસદા તાલુકાની 37 શાળાઓ મર્જ કરવાના નિર્ણયની સીધી અસર 4 હજાર જેટલા બાળકોને પડશે અને શાળાએ આવવા જવા માટે અગવડ વેઠવી પડશે. શાળાઓ મર્જ કરવાના નિર્ણય પર ફેર વિચારણા નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે.

(9:33 pm IST)