Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કાલે ગુરૂવારે અંબાજી માતાજીના મંદિરે ભાદરવી પૂનમના મેળા બાદ પ્રક્ષાલન વિધીઃ કાલે મંદિર બપોર બાદ બંધ રહેશે

પરખ અગ્રવાલ/બનાસકાંઠા :જગવિખ્યાત યાત્રાધામ અને માતાજીના 52માં શક્તિપીઠમાંનું એક એવા અંબાજી માતાનો ભાદરવી પૂનમનો મેળો રંગેચંગે સંપન્ન થયો હતો. 8 થી 14 સપ્ટેમ્બર સુધી ચાલેલા આ મેળામાં આ વર્ષે 23 લાખથી વધુ ભાવિકભક્તોએ દર્શન કર્યાં હતા. મેળા બાદ અંબાજી ધામમાં પ્રક્ષાલનની ખાસ વિધિ કરવામાં આવે છે. જેમાં મંદિરની શાસ્ત્રોક્ત વિધિથી સ્વચ્છ કરવામાં આવે છે. આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ મંદિરના પટાંગણમાં ભાવિક ભક્તોએ મંદિરને ધોઈને ચોખ્ખુચણાક કરશે, જેને પ્રક્ષાલન વિધી કહેવાય છે. ત્યારે અંબાજી માતાજીનું મંદિર આવતીકાલે બપોર બાદ બંધ રહેશે.

બપોરે 1 વાગ્યા બાદ મંદિર બંધ

આવતીકાલે મા અંબાના ગર્ભગૃહ સહિત મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. ભાદરવી પૂનમનો મેદો સંપન્ન થયા બાદ જ આ વિધિ યોજાતી હોય છે. જેમાં મંદિરમાં રહેલ શ્રી યંત્ર આજના દિવસે બહાર લાવવામાં આવે છે. તેથી આ વિધિનું મહત્વ અનેકગણું હોય છે. બપોરે એક વાગ્યા પછી આ વિધિ શરૂ થતી હોય છે. તેથી પક્ષાલન વિધિ માટે બપોરાના 1 વાગ્યાથી મંદિર બંધ રહેશે. સાંજની આરતી રાત્રે 9.00 કલાકે કરાશે.

7 નદીના જળથી મંદિર ધોવાય છે

આ વિધિ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સિદ્ધપુરના માણસ ગૌત્રના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. મા અંબાના ગર્ભગૃહ સહિત સોના-ચાંદીના આભૂષણોને ગંગાજળ અને સરસ્વતીના નીર સહીત અનેક નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવે છે. પ્રક્ષાલન વિધિ માટે સાત નદીઓના જળ લાવવામાં આવે છે. ત્યાર બાદ શુભ મુર્હુતમાં તેને માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરાય છે.

પ્રક્ષાલન વિધી કરવાથી પુણ્ય મળે છે

પ્રક્ષાલન વિધિમાં ભાગ લેવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજીમાં આવી પહોંચતા અનેરો ભક્તિમય માહોલ સર્જાતો હોય છે. કહેવાય છે કે, પ્રક્ષાલન વિધિ કરવાથી અનેકગણુ પુણ્ય મળે છે. તેથી જ આ વિધિમાં ભાગ લેવા અને યાત્રાધામને પવિત્ર કરવાનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

રંગેચંગે સંપન્ન થયો ભાદરવી પૂનમનો મેળો

8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળાનું 14 સપ્ટેમ્બરે સમાપન થયું હતું. જેમાં 23 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત વિશ્વના 25 દેશોમાં વસતા 7 લાખથી વધુ માઈ ભક્તોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ વર્ષે માતાજીને 8264 જેટલી ધજા ચઢાવવામાં આવી હતી. તો મંદિરને 4,34,86,186 કરોડ જેટલી આવક થઈ છે.

(5:45 pm IST)