Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નેશનલ ફેમિલી બેનિફિટની સહાય ખાતામાં જમા કરાશે

યોજનાનો વિધિવતરીતે શુભારંભ કરાયોઃ ડિજિટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે ગુજરાતનું વધુ એક પગલું

અમદાવાદ,તા.૧૭: સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યુ છે કે, ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે આજે વધુ એક નક્કર કદમ ઉપાડ્યુ છે. નેશનલ ફેમીલી બેનીફીટ યોજનાના લાભાર્થીઓને મળતી સહાય ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરથી તેમના ખાતામાં આજથી ચૂકવવાનો શુભારંભ મંત્રીશ્રીએ કર્યો હતો. મંત્રી પરમારે કહ્યુ કે, પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેવાડાના માનવીને મદદરૂપ થવા માટે સરકારી યોજનાના લાભો સીધા જ જરૂરિયાત મંદોને મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે જેના પરિણામે પારદર્શી રીતે લાભો પહોંચાડવા માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા મળતી સહાય સીધી ખાતામાં જમા કરાય છે. આ યોજના હેઠળ ૧૭૮૨ લાભાર્થીઓને ૩૫૨.૪૦ લાખની રકમ તેમના ખાતામાં સીધી ચૂકવવામાં આવશે. આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર માટે ૦ થી ૨૦ સુધીની બીપીએલ ગુણાંક ધરાવતા પરિવારો અને શહેરી વિસ્તાર માટે શહેરી વિકાસની માર્ગદર્શિકા મુજબના ગુણાંક ધરાવતા બીપીએલ કાર્ડના મુખ્ય કમાઉ વ્યકતિનું કુદરતી કે આકસ્મિક રીતે (સ્ત્રી/પુરુષ)નું મૃત્યુ થાય તો તેવા પરિવારને સહાયરૂપ થવા ૨૦,૦૦૦ની સહાય અપાય છે. મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારના સમાજકલ્યાણ વિભાગ હસ્તકની કેન્દ્ર અને રાજ્ય પુરસ્કૃત નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના ૯૧,૦૨૨, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન  યોજના ૬૧૧૩૫૮, સંત સુરદાસ યોજનાના ૩૭,૮૦૧, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજનાના ૯,૯૯૨, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાના ૨૩૯૬ અને પાલક માતાપિતા યોજનાના ૯,૯૯૪ મળી કુલ ૭,૫૨,૫૬૩ લાભાર્થીઓને મળતી સહાય ડીબીટી દ્વારા તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે. અત્રેઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭-૧૮માં ૫,૮૩૪ લાભાર્થીઓને ૧૧૬૧.૭૧ લાખની સહાય જિલ્લા કક્ષાએથીચૂકવાતી હતી. રાજ્ય સરકાર દ્વારા આ સહાય વર્ષ ૨૦૧૮-૧૯ થી ડિજીટાઇઝ કરવામાં આવી અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા બદલ ભારત સરકાર દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય સામાજિક સહાયતા ક્ષેત્રે ઉમદા કામગીરી માટે ગુજરાતને પ્રથમ એવોર્ડ પણ એનાયત કરાયો છે.

(10:21 pm IST)