Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ટ્રાફિક નિયમના ચુસ્ત પાલન માટે પશ્ચિમમાં ફરીથી ઝુંબેશ

ટ્રાફિક પોલીસનો પશ્ચિમના વિસ્તારોમાં સપાટો : ટ્રાફિક નિયમના ભંગ, આડેધડ પાર્કિંગ સહિતના મુદ્દાઓને લઇ કસૂરવાર વાહનચાલકોની પાસેથી દંડ વસૂલ કરાયો

અમદાવાદ, તા.૧૭ : શહેરની ટ્રાફિક સમસ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટના સખત વલણ બાદ શહેર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ હેઠળ પોલીસે સરાહનીય કામગીરી કરી નો-પાર્કિંગમાં અને આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી ટ્રાફિકની સમસ્યાને થોડી ઘણી હળવી કરી દીધી હતી, પરંતુ આટલી કાર્યવાહી અને પોલીસના કડક વલણ છતાં ન સુધારનારી અમદાવાદી પ્રજા માટે આજથી ફરી એક વાર ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે વહેલી સવારથી જ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ પર દબાણ દૂર કરવાનું, રોડ પર આડેધડ વાહન પાર્કિંગ કરનારા અને નો-પાર્કિંગ ઝોનમાં વાહન મૂકનાર વાહનચાલકોના વાહનો ડિટેન કરી તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસકર્મીઓએ અલગ અલગ વિસ્તારમાં ૧૦૦થી વધુ વાહનચાલકો સામે દંડની અને ડિટેનની કાર્યવાહી હાથ ધરાઇ હતી. બીજીબાજુ, સ્થાનિક પોલીસની મદદથી વિવિધ વિસ્તારમાં અનઅધિકૃત દબાણ સમા અને રસ્તામાં અડચણરૂપ અનેક લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા હતાં. રોડ પર આડેધડ પાર્કિંગ, પાર્કિંગ હોવા છતાં તેઓ ઉપયોગ ના કરનાર લોકો, ફૂટપાથ પર દબાણ કરનારા અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા વિરુદ્ધ ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી હજારોની સંખ્યામાં કેસ કરી લાખો રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. પોલીસની કડક કાર્ર્યવાહી અને અવેરનેસ છતાં ફરી અમદાવાદી પ્રજાએ રોડ પર આડેધડ ર્પાકિંગ અને નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરવાનું શરૂ કરી દીધું છે. ફરીથી રોડ પર લારી-ગલ્લાના દબાણો ઊભા થઇ ગયા છે. એક વખત ટ્રાફિક પોલીસની ઝુંબેશ બાદ ફરી લોકોએ દબાણ અને આડેધડ ર્પાકિંગ કરતાં પોલીસે ફરી ત્રાટકી છે. રપ ક્રેન અને દરેક પીઆઇ અને પીએસઆઇની સાથે અલગ અલગ વિસ્તારોમાં દસ-દસ ટીમો બનાવી વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે અનેક લારી-ગલ્લાના દબાણો દૂર કરાવ્યા હતા તેમજ રોડ પર વાહન પાર્ક કરીને જતા વાહનચાલકના વાહન ડિટેન કર્યા હતા. ટ્રાફિક ડીસીપી સંજય ખરાતે જણાવ્યું હતું કે શહેરમાં અગાઉ ટ્રાફિકની ઝુંબેશ બાદ ફરીથી રોડ પર દબાણો અને આડેધડ પાર્કિંગ શરૂ થઇ જતા તેઓની સામે ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અલગ-અલગ ટીમો બનાવી અને રોડ પરના દબાણો અને અડચણરૂપ વાહનોને ડિટેન કરવામાં આવી રહ્યા છે. તો, આ મામલે જાગૃતિ ફેલાવવા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટ્રાફિકના પ્રશ્નના હલ માટે નિબંધ સ્પર્ધા રખાઇ હતી. ૧૦૦૦ નિબંધમાંથી ટ્રાફિક પોલીસે ર૦ જેટલા નિબંધોને પસંદ કર્યા છે. આ ર૦ શ્રેષ્ઠ નિબંધ લખનાર વિધાર્થીઓને આજે બપોરે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે શહેર પોલીસ કમિશનર એ.કે સિંઘના હસ્તે પ્રમાણપત્ર-મોમેન્ટો આપી તેમને સન્માનિત કરાયા હતા.

(8:18 pm IST)